રાજકોટમાં કાયમી DEO આપો: શિક્ષણ સંઘે ફરી એક વખત બાંયો ચડાવી
રાજકોટ શહેર/જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિની બેઠક મળી હતી.જ્યાં DEO ને રૂબરૂ મળી રજૂઆત કરી પગાર બિલ સિવાય કોઈ કામ થતા નથી તેની ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.આ ઉપરાંત શિક્ષકોની ખાલી જગ્યા ભરવા અને કાયમી ધોરણે DEOની ભરતી કરવા અંગેની રજૂઆત કરી હતી.
રાજકોટ શહેર જીલ્લા શૈક્ષણીક સંઘ સંકલન સમિતિના અધ્યક્ષ અને રાજ્ય શાળા સંચાલક મહામંડળના મહામંત્રી પ્રિયવદન કોરાટે જણાવ્યું હતું કે, અગાઉ જિલ્લા શિક્ષણ અધિકારીની કાયમી ભરતી કરવામાં આવે પરંતુ સરકાર દ્વારા ઇન્ચાર્જની ફેરબદલ કરવામાં આવી. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને જિલ્લા શિક્ષણ અધિકારીનો ચાર્જ આપવામાં આવેલો છે. જેનાથી અમારી સમસ્યામાં કોઈ ફેર પડ્યો નથી. શૈક્ષણિક અને વહીવટમાં પગાર બિલ સિવાયની તમામ કામગીરી અટકેલી છે.

9 જૂનથી તમામ શાળાઓનું શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક પણે જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવે. જે બાદ પણ નિવૃત્તિને કારણે જે શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે તેની જગ્યાએ પ્રવાસી શિક્ષકોની ભરતી કરવા માટેની મંજૂરી આપવામાં આવે. રાજ્યમાં 5000 જેટલી શિક્ષકોની જગ્યાઓ ખાલી છે.
આ પણ વાંચો : મુખ્યમંત્રી શુક્રવારે રાજકોટમાં : પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતેથી કરોડોના વિકાસકાર્યોનું કરશે ખાતમુહૂર્ત-લોકાર્પણ
12 મે, 2025 ના રાજકોટ શહેર જીલ્લા શૈક્ષણીક સંઘ સંકલન સમિતિ દ્વારા શિક્ષણ બોર્ડના પૂર્વ મેમ્બર ડો.પ્રિયવદન કોરાટની આગેવાની હેઠળ સાંસદ પુરૂષોતમ રૂપાલાના દ્વાર ખટખટાવી આવેદન પત્ર સુપ્રત કરી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે જીલ્લા શિક્ષણ અધિકારીની કચેરીનો વહીવટ છેલ્લા લાંબા સમયથી ખાડે જતા શૈક્ષણિક અને વહીવટી કામો ઠપ્પ બની ગયા છે. આ શિક્ષણાધિકારી કચેરીમાં શાળાઓના શિક્ષકોના ઉચ્ચતર પગાર ધોરણના 450થી વધુ કેસો પડતર પડેલા છે.
આ પણ વાંચો : રાજકોટમાં વીજ ધાંધિયા માટે મહાપાલિકા પણ એટલી જ જવાબદાર : એક વર્ષમાં RMCએ વીજતંત્રને અડધો કરોડનું કર્યું નુકશાન
જીલ્લા શિક્ષણાધિકારી કચેરીના ધીમા વહીવટના પગલે ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકો અને શિક્ષકો સહિતના કર્મચારીઓ ભારે પરેશાન છે,ત્યારે આ પ્રશ્ને વહેલી તકે પગલા લેવામાં આવે તેવી તેઓએ માંગણી ઉઠાવી હતી. આ રજૂઆતમાં શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના ઉપાધ્યક્ષ દીનેશ ભુવા, ડો. લીલા કડછા, અશોક ભારાઈ, શૈલેષ સોજીત્રા (પ્રમુખ) રસીક ભંડેરી (ઉપપ્રમુખ) સહિતના હોદેદારો અને ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકો જોડાયા હતા.
