યુપીના માફિયા કમ રાજકારણી અતિકઅહેમદની હત્યામાં પોલીસને ક્લીન ચીટ
ન્યાયિક પંચનો અહેવાલ વિધાનસભામાં રજૂ થયો: પોલીસની કોઈ સંડોવણી ન હોવાનું તારણ
ઉતર પ્રદેશના માફિયા રાજકારણી અતિક અહેમદ અને તેના ભાઈ અશરફની પોલીસ કસ્ટડી દરમિયાન પોલીસની ઉપસ્થિતિમાં જ થયેલી હત્યા પાછળ પોલીસનું કોઈ પૂર્વયોજિત ષડયંત્ર ન હોવાનું એ કેસની તપાસ માટે નિમાયેલા જ્યુડિશિયલ કમિશને જાહેર કર્યું હતું.
ઉમેશ પાલ હત્યા કેસમાં ધરપકડ થયા બાદ પોલીસ બંને ભાઈઓને લઈ અને પ્રયાગરાજમાં મેડિકલ ચેકઅપ માટે લઈ જતી હતી ત્યારે 15 એપ્રિલ 2023ના રોજ પત્રકારના સ્વાંગમાં આવેલા ત્રણ શખ્સોએ ગોળીબાર કરી બંનેને ઠાર માર્યા હતા.
આ હત્યા પાછળ પોલીસનું ષડયંત્ર હોવાના અક્ષેપો થયા બાદ ઉત્તર પ્રદેશ સરકારે અલ્હાબાદ હાઇકોર્ટના નિવૃત્ત જજ અરવિંદ કુમાર ત્રિપાઠીના નેતૃત્વ હેઠળ પાંચ સભ્યોનો ન્યાયિક પંચ નીમ્યું હતું. તેનો અહેવાલ ઉત્તર પ્રદેશ વિધાનસભામાં છેલ્લા દિવસના સેશન દરમિયાન રજૂ કરાયો હતો.
પંચે તેમાં પોલીસના ષડયંત્રની કે પોલીસ બેજવાબદાર રહી હોવાની સંભાવનાઓને નકારી કાઢી હતી અને એ હત્યા પોલીસ રોકી શકે તેમ પણ નહોતી તેવું જણાવી પોલીસને ક્લીન ચિટ આપી હતી. સાથે જ આરોપીઓ પત્રકારોના સ્વાંગમાં આવ્યા હોવાનું જણાવી આવા કેસમાં પત્રકારોની ભૂમિકા અંગે પણ પંચે મહત્વની ટિપ્પણીઓ કરી હતી.
પંચે મીડિયા માટે કેટલાક સૂચન કર્યા હતા.તેમાં આરોપી અથવા પીડિતની આવન જાવન કે ગતિવિધિઓ જાહેર થઈ જાય તેવું પ્રસારણ ન કરવા જણાવાયું છે.આવા સંવેદનશીલ બનાવની તપાસ ચાલુ હોય ત્યારે તેના વિષયે કોઈ ટોક શો ન કરવા પણ પંચે સૂચન કર્યું હતું.મીડિયાને તપાસની પ્રગતિ અંગે કોઈ માહિતી ન આપવાની પણ પંચે ભલામણ કરી હતી.