ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીત બાદ ઇન્દોરમાં બબાલ : જામા મસ્જિદ પાસે વાહન-દુકાનોમાં તોડફોડ-આગચંપી
ગઈકાલે રવિવારે દુબઈમાં રમાયેલી ICC Champion Trophy 2025ની ફાઈનલ મેચમાં ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવીને 12 વર્ષ બાદ આ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન (Indian Cricket Team) બની. ન્યુઝીલેન્ડની ટીમે આપેલો 252 રનનો ટાર્ગેટ ભારતીય ટીમે 49 ઓવરમાં છ વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો, ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માએ 76 રનની શાનદાર ઇનિંગ રમી. રવિન્દ્ર જાડેજાએ વિનિંગ શોટ ફટકાર્યા બાદથી દેશભરમાં ઉજવણી શરુ થઇ ગઈ હતી. દેશભરમાં હોળી પહેલા દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો.
ભારતની જીત બાદ મધ્ય પ્રદેશમાં ઈન્દોરના મહુ વિસ્તારમાં કેટલાક યુવાનો જીતની ઉજવણી કરી રહ્યા હતા. આ દરમિયાન જ્યારે રેલી મહુની જામા મસ્જિદ પાસે પહોંચી ત્યારે બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતા. આ ઘટનામાં ઘણાં લોકો ઈજાગ્રસ્ત થયા છે. પથ્થરમારા સાથે ઘણી દુકાનોમાં આગ લગાવવામાં આવી છે. મહુમાં થયેલા હોબાળા બાદ પોલીસ એક્શન મોડમાં છે. આ વિસ્તારને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે.
હોબાળો કેવી રીતે થયો ?
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીત બાદ કેટલાક ક્રિકેટ ચાહકો ઈન્દોરના મહુ વિસ્તારમાં રેલી કાઢી રહ્યા હતા. આ દરમિયાન તેમની રેલી મહુની જામા મસ્જિદ પાસે પહોંચી. લોકો જામા મસ્જિદની અંદર નમાઝ અદા કરી રહ્યા હતા. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો અને ઝઘડો એટલો વધી ગયો કે પથ્થરમારો શરૂ થઈ ગયો. બંને બાજુથી પથ્થરમારામાં લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ દરમિયાન ઘણી દુકાનો અને વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ વિસ્તારમાં તણાવ છે.
મહુમાં થયેલી આ હિંસા અંગે માહિતી આપતાં ઈન્દોરના કલેક્ટર આશિષ સિંહે જણાવ્યું હતું કે, ‘પથ્થરમારા બાદ પરિસ્થિતિ નિયંત્રણમાં છે. વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે.’ આ મામલે પોલીસે જણાવ્યું હતું કે, ‘આ વિસ્તારમાં ઉજવણી દરમિયાન બે પક્ષો વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો, ત્યારબાદ પથ્થરમારો અને આગચંપી થઈ હતી.’