કાશ્મીરમાં હુમલા પાછળ પાકનો હાથ ? જુઓ
વડાપ્રધાન શપથ લઈ રહ્યા હતા ત્યારે જ કાશ્મીરમાં રિયાસી વિસ્તારમાં ધાર્મિક યાત્રા પર નીકળેલા લોકોની બસ પર હુમલો કરનાર આતંકીઓ સીધી રીતે જ પાકિસ્તાન સાથે મળેલા છે અને એમના ઇશારા પર જ હુમલો કરવામાં આવ્યો હતો તેમ જમ્મુ કશ્મીરના ડીજીએ મીડિયાને જણાવ્યું હતું.
પુલવામાં પછીનો સૌથી મોટો અને ગંભીર હુમલો કાશ્મીરમાં કરવામાં આવ્યો છે અને ડીજીના કહેવા મુજબ પાકિસ્તાન કાશ્મીર સહિત દેશમાં કોમી તોફાન કરાવવા માંગે છે. આ બારામાં એનઆઈએ તપાસ કરશે અને આતંકીઓને શોધવામાં આવી રહ્યા છે. કોઈને છોડવામાં આવશે નહીં .
મૃતકોના પરિવારને 10 લાખ સહાય
દરમિયાનમાં કશ્મીરના એલજી મનોજ સિંહાએ એવી જાહેરાત કરી હતી કે મૃતકોના પરિવારને રૂપિયા 10 લાખ સહાય આપવામાં આવશે અને ઘાયલોને રૂપિયા 50 હજાર આપવામાં આવશે. સિંહાએ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઘાયલોની મુલાકાત લીધી હતી અને એમની પાસેથી વિગતો લીધી હતી. એમણે મીડિયાને કહ્યું હતું કે દરેક નાપાક પ્રયાસને વિફળ કરવામાં આવશે.
4 ની પૂછપરછ
રિયાસી ખાતે થયેલા આતંકી હુમલા અંગે પોલીસ અને જવાનો દ્વારા 4 લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને જવાનો સર્ચ ઓપરેશન કરી રહ્યા છે. એવી શંકા પણ વ્યક્ત કરવામાં આવી છે કે હુમલામાં પાકિસ્તાની સૈનિકો અથવા તેના આતંકીઓ પણ શામેલ હોવા જોઈએ.
ઇન્ટેલિજન્સ નિષ્ફળ ?
કાશ્મીરમાં લાંબા ગાળા બાદ પુલવામાં જેવો જ આતંકી હુમલો થયો છે ત્યારે એવો સવાલ પણ કરાઇ રહ્યો છે કે પુલવામાની જેમ જ અઅ વખતે પણ ઇન્ટેલિજન્સ તંત્ર નિષ્ફળ રહ્યું છે અને એમને આવા ગંભીર હુમલાની કોઈ ભનક આવી નથી. એમ પણ કહેવાઈ રહ્યું છે કે એજન્સીઓ વચ્ચે કોઈ જાતનો તાલમેલ રહ્યો નથી અને આતંકીઓ ફાવી જાય છે.