ઉજ્જૈનમાં પણ ખાણી પીણીની દુકાનો પર નામ લખવાનો આદેશ
નામ લખવામાં વાંધો શું ? બાબા રામદેવ
ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ બાદ હવે ઉજ્જૈનમાં પણ ખાણીપીણીની દુકાનો અને રેકડીઓ ઉપર માલિક અને કર્મચારીઓના નામ લખવાનો આદેશ કરવામાં આવ્યો છે. ઉજ્જૈન મ્યુનિસિપાલટીના આદેશમાં જણાવ્યા મુજબ આ હુકમનું પાલન ન કરનારને પ્રથમ વખત 2000 રૂપિયાનો અને ત્યારબાદ 5000 રૂપિયા નો દંડ ફટકારવામાં આવશે.
ઉજ્જૈનના મેયરે કહ્યું કે ઉજ્જૈન ધાર્મિક અને પવિત્ર નગરી છે. લોકો ધાર્મિક શ્રદ્ધાથી પ્રેરાઈને આ પવિત્ર નગરીની મુલાકાતે આવે છે. તે લોકોને તેઓ કોની સેવા લઇ રહ્યા છે તે જાણવાનો અધિકાર છે. જો નામ લખ્યા હશે તો કોઈ ગ્રાહકને અસંતોષ થાય કે તે છેતરપિંડીનો ભોગ બને તો દુકાનદારોની વિગત જાણીને તેનું નિવારણ મેળવવાની તેને તક મળશે.
નોંધનીય છે કે યોગી સરકાર અને ઉત્તરાખંડની સરકારે કરેલા આદેશનો વિપક્ષો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભાજપના ટોચના મુસ્લિમ નેતા અને પૂર્વ મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ પણ યુપી સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. એનડીએના ભાજપ ના સાથી પક્ષો પણ આ નિર્ણયથી નારાજ છે. જોકે એવા એક પણ વિરોધને ગાંઠ્યા વગર ભાજપ શાસિત એક પછી એક રાજ્યમાં આ નિયમ લાગુ કરવાની માંગણી જોર પકડી રહી છે. ઇન્દોરના ભાજપના ધારાસભ્યએ ઇન્દોરમાં પણ દુકાનદારો માટે નામ લખવાનું ફરજિયાત કરવાની સરકાર સમક્ષ માંગણી કરી છે.
આ વિવાદ વચ્ચે યોગગુરૂ બાબા રામદેવે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સરકારના આદેશને સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું કે દરેક માણસને પોતાના નામનું ગૌરવ હોવું જોઈએ. તેમણે પ્રશ્ન કર્યો કે બાબા રામદેવ ને પોતાની ઓળખ દર્શાવવામાં કાંઈ તકલીફ નથી તો પછી રહેમાનને શું તકલીફ છે?
મુસ્લિમોએ સેવા શિબીરો બંધ કરી
કાવડિયા યાત્રાનું મુસ્લિમ સમુદાય સ્વાગત કરે એ પરંપરા રહી છે. મુસ્લિમ સંસ્થાઓ દ્વારા કાવડિયા યાત્રાના માર્ગ ઉપર વર્ષોથી સેવા શિબીરોનું આયોજન થતું રહ્યું છે જેમાં યાત્રાળુઓ માટે ભોજન, આરામ અને પગચંપી સુધીની સેવાઓ આપવામાં આવતી હતી. હજારો કાવડીયાઓ આ સેવાઓનો લાભ લેતા હતા. પરંતુ નામ લખવાના સરકારના આદેશ બાદ મુસ્લિમો હવે સેવા શિબીરો બંધ કરવા લાગ્યા છે. મુઝફરનગરની
પૈગામ એ ઇન્સાનિયત નામની સંસ્થા મીનાક્ષી ચોકમાં છેલ્લા 17 વર્ષથી આવી શિબીરોનું આયોજન કરતી હતી. એ સંસ્થાના પ્રમુખે કહ્યું કે કાવડિયા યાત્રા ખરા અર્થમાં ગંગા જમુના તહેજીબનું પ્રતીક હતી. પણ આ વખતે સરકારના આદેશને કારણે ભેદભાવનું વાતાવરણ ઊભું થયું છે. તેમણે કહ્યું કે અમે શું કરીએ? અમે કોમી એકતાના હિમાયતી છે પરંતુ સરકાર રાજકારણ રમી રહી છે. સેક્યુલર ફ્રન્ટ નામની બીજી એક સંસ્થા પણ 16 વર્ષથી સેવા શિબીરો ચલાવતી હતી. એ સંસ્થાએ પણ આ વખતે એ આયોજન રદ કરી નાખ્યું છે.