હવે સર્જાશે યાજ્ઞિક રોડ ઉપર ટ્રાફિક ટેરર…! રાજકોટના હજારો વાહનચાલકોએ કરવી પડશે લાંબી ‘પ્રદક્ષિણા’
સર્વેશ્વર ચોકમાં ગણેશોત્સવ દરમિયાન વોંકળા પરનો સ્લેબ તૂટી પડવાની ઘટના બન્યા બાદ મહાપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સર્વેશ્વર ચોકથી ડૉ.યાજ્ઞિક રોડને જોડતો હયાત વોંકળો ડાયવર્ટ કરી નવું બોક્સ કલ્વર્ટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ કામ દોઢેક વર્ષ કરતાં વધુ સમયથી ચાલી રહ્યું છે ત્યારે બોક્સ કલ્વર્ટનું કામ સર્વેશ્વર ચોકમાં પૂરું થવા આવ્યું હોય હવે નાગરિક બેન્ક પાસે ડૉ.યાજ્ઞિક રોડ પર કામ શરૂ કરવાનું હોય ચાર મહિના માટે ડૉ.યાજ્ઞિક રોડ પર સરદારનગર મેઈન રોડથી ન્યુ જાગનાથ શેરી નં.20 સુધીનો રસ્તો બંધ કરતું જાહેરનામું પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જાહેરનામું અમલી બની જતાં ડૉ.યાજ્ઞિક રોડ પર માલવિયા ચોકથી રેસકોર્સ તરફ અવર-નવર માટે વૈકલ્પિક રસ્તો પણ આપવામાં આવશે. એકંદરે હવે ચાર મહિના સુધી યાજ્ઞિક રોડ પર રીતસરનો ટ્રાફિક ટેરર સર્જાશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. હજારો વાહનચાલકોએ લાં…બી પ્રદક્ષિણા કરીને તેમના મુળસ્થાને પહોંચવા માટે મજબૂર બનવું પડશે.
આટલા રસ્તા-ખુલ્લા બંધ રહેશે
- સર્વેશ્વર ચોક પાસે બન્ને બાજુના રસ્તા 50-50 મીટર બંધ કરાશે, તેના સિવાય યાજ્ઞિક રોડ ઉપર વાહનોની અવર-જવર ચાલું રહેશે
- સર્વેશ્વર ચોક આસપાસની દુકાન-ઓફિસના પાર્કિંગ માટે અલગથી વ્યવસ્થા કરાશે, વેપારી-ગ્રાહકોની અવર-જવર માટે રસ્તો ચાલું રહેશે અને વાહન પણ પાર્ક કરી શકાશે
- રેસકોર્સથી માલવિયા ચોક તરફ આવતી એસ.ટી.બસ, પ્રાઈવેટ લકઝરી બસ તેમજ કાર, એમ્બ્યુલન્સ સહિતના વાહનોની અવર-જવર બહુમાળી ભવનથી જિલ્લા બેન્ક ભવન ચોકથી જ્યુબિલી ગાર્ડન ચોક થઈ જવાહર રોડ પરથી ત્રિકોણબાગ સર્કલથી માલવિયા ચોક જઈ શકશે
- રેસકોર્સથી માલવિયા ચોક તરફ આવતાં ટુ-વ્હીલર્સ તેમજ થ્રી-વ્હીલરની અવર-જવર જિલ્લા પંચાયત ચોકથી ફુલછાબ ચોક અને ત્યાંથી મોટી ટાંકી ચોક, લીમડા ચોકથી પસાર થઈને ડૉ.રાજેન્દ્રપ્રસાદ રોડ (શાસ્ત્રી મેદાન અને રાજકુમાર કોલેજ વચ્ચેનો રસ્તો) પરથી પસાર થઈને માલવિયા ચોક તરફ જઈ શકશે
- ડૉ.યાજ્ઞિક રોડથી રેસકોર્સ તરફ આવતાં બધાજ વાહનોની અવર-જવર ડૉ.દસ્તૂર માર્ગ પરથી એસ્ટ્રોન ચોક થઈને મહિલા કોલેજ ચોક તરફથી કિશાનપરા ચોક થઈને જિલ્લા પંચાયત ચોક તરફ જઈ શકશે. જો કે ડૉ.દસ્તુર માર્ગ હાલ વન-વે હોય જ્યાં સુધી ઉપરોક્ત કામ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી ટુ-વે કરાશે)
- ડૉ.યાજ્ઞિક રોડથી રેસકોર્સ તરફ આવતાં બધા જ વાહનોની અવર-જવર શ્રી રામકૃષ્ણ આશ્રમથી ડૉ.યાજ્ઞિક રોડ ઉપર હાઈસ્ટ્રીટ બિઝનેસથી ડાબી બાજુએથી શ્રી સ્વામિ વિવેકાનંદ માર્ગ પર રામકૃષ્ણનગર શેરી નં.10 પરથી પસાર થઈ વિરાણી હાઈસ્કૂલ પાસેથી જમણી તરફ ટાગોર રોડ પર થઈને એસ્ટ્રોન ચોક-મહિલા કોલેજ, કિસાનપરા ચોકથી જિલ્લા પંચાયત ચોક સુધી જઈ શકાશે.
4 એપ્રિલે અમલી બની ગયેલી જાહેરનામું છેક 8એ જાહેર કરાયું !
પોલીસ કમિશનર દ્વારા જે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તે પ્રસિદ્ધ થયાની તારીખ 4-4-2025 છે પરંતુ ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ દ્વારા ચાર એપ્રિલે અમલી બનેલું જાહેરનામું છેક 8 એપ્રિલે જાહેર કરવામાં આવ્યું હતું. આ જ વસ્તુ બતાવે છે કે પોલીસ તંત્રમાં સંકલનનો કેટલો અભાવ છે !
મનપાએ કહ્યું’તું ચોમાસા પહેલાં વોંકળાનું કામ પૂરું થઈ જશે તો પછી પોલીસે છેક ઑગસ્ટ સુધી રસ્તો કેમ બંધ કર્યો ?
થોડા સમય પહેલાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બાદ એવી જાહેરાત કરવામાં આવી હતી કે સર્વેશ્વર ચોક પાસે વોંકળાનું કામ ચોમાસા પહેલાં પૂરું થઈ જશે. સામાન્ય રીતે ચોમાસું જૂનથી બેસી જતું હોય છે. આ રીતે સ્ટેન્ડિંગ કમિટીએ કરેલી જાહેરાત જો સાચી હોય તો જૂન પહેલાં કામ પૂર્ણ થઈ જશે. બીજી બાજુ પોલીસ દ્વારા જે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે તે ચાર મહિના માટે એટલે કે એપ્રિલથી લઈ ઓગસ્ટ સુધી અમલી રહેશે ત્યારે સાચે જ વોંકળાનું કામ જૂન પહેલાં પૂરું થઈ જશે કે પછી ઓગસ્ટ સુધી ચાલશે તે પણ એક મોટો સવાલ છે.
રામકૃષ્ણ ડેરીથી રાજકોટ કલરલેબ સુધીનો રસ્તો બંધ રહેશેઃ સિટી ઈજનેર
મહાપાલિકાની સિટી ઈજનેર અતુલ રાવલે જણાવ્યું હતું કે વોંકળા ડાયવર્ઝન સહિતનું કામ સર્વેશ્વર ચોકમાં પૂર્ણ થઈ ગયા બાદ હવે નાગરિક બેન્ક પાસે કામ શરૂ કરવાનું છે જેના કારણે રામકૃષ્ણ ડેરીથી રાજકોટ કલરલેબ સુધીનો રસ્તો બંધ રહેશે. આ કામ ત્રણ-ચાર દિવસમાં શરૂ કરાશે તે પહેલાં રામકૃષ્ણ ડેરી તેમજ રાજકોટ કલરલેબ પાસે બેરિકેડિંગ સહિતની કામગીરી કરાશે.