હવે 60 મિનિટ સુધી જ સુપર ઓવર રમાશે પછી…IPL માટે BCCIનો વધુ એક નિર્ણય
આઈપીએલનો રંગારંગ પ્રારંભ થઈ ચૂક્યો છે. અગાઉની ટૂર્નામેન્ટમાં અનેક વખત સુપર ઓવર પણ રમાઈ ચૂકી છે. સુપર ઓવર ત્યારે ફેંકાય છે જ્યારે બન્ને ટીમનો સ્કોર બરાબર થાય છે. આવામાં મેચનું પરિણામ કાઢવા માટે સુપર ઓવરનો ઉપયોગ કરવામાં આવે છે. ૨૦૧૯ સુધી મેચ ટાઈ થાય તો સુપર ઓવર રમાતી હતી અને જો સુપર ઓવર પણ ટાઈ થાય તો આખી મેચમાં વધુ ચોગ્ગા-છગ્ગા લગાવનારી ટીમને જીત અપાતી હતી પરંતુ અત્યારે સુપર ઓવર ત્યાં સુધી ફેંકાય છે જ્યાં સુધી મેચનું પરિણામ નથી આવી જતું. જો કે વારંવાર ફેંકાનારી સુપર ઓવરને ધ્યાનમાં રાખી ક્રિકેટ બોર્ડે નિર્ણય લીધો છે કે સુપર ઓવર માટે કુલ એક કલાકનો જ સમય અપાશે.
મેચ પૂરી થયાના એક કલાક બાદ વિજેતાનો નિર્ણય કરવા માટે સુપર ઓવર રમાડાશે પરંતુ વારંવાર સુપર ઓવર પણ ટાઈ થાય છે તો એક કલાક બાદ અમ્પાયર મેચને રોકી દેશે. નિયમ પ્રમાણે જો મેચ રેફરીને લાગે કે એક કલાકની સમયમર્યાદાનું ઉલ્લંઘન થવાનું છે તો તે કેપ્ટનોને વાકેફ કરશે કે કઈ સુપરઓવર અંતિમ હશે. જો અંતિમ સુપરઓવરમાં પણ પરિણામ ન આવે તો મેચ પૂર્ણ જાહેર કરી બન્ને ટીમને સરખા પોઈન્ટ આપી દેવાશે.