હવે અમેરિકાથી પૈસા મોકલવા ખૂબ મોંઘા પડશે : NRIને ફટકો, જાણો કેટલા ટકા ટેક્સ દેવો પડશે?
ટ્રમ્પ એક પછી એક દુનિયાને મૂંઝવી નાખતા નિર્ણય લઈ રહ્યા છે . હવે અમેરિકામાં રહેતા લાખો ભારતીયો માટે નિરાશાજનક સમાચાર આવ્યા છે. અમેરિકામાં રહેતા NRIને ઘરે નાણા મોકલવા માટે વધારાનો 5% ટેક્સ ચૂકવવો પડી શકે છે. આ ટેક્સ HIB વિઝા ધારકો અને ગ્રીન કાર્ડ ધારકો સહિત અન્ય દેશોના તમામ નાગરિકોએ ચૂકવવો પડશે. યુએસ સંસદમાં આ બિલ પસાર થયા પછી તે લાખો ભારતીયોને અસર કરશે જેઓ ત્યાં કામ કરે છે અને નિયમિતપણે તેમના ઘરે પૈસા મોકલે છે. એક અહેવાલ મુજબ આનિરણીથી ભારતને દર વર્ષે રૂપિયા 14 હજાર કરોડની ખોટ જશે.
‘ધ વન બિગ બ્યુટીફુલ બિલ’ નામનું આ બિલ તાજેતરમાં યુએસ હાઉસ વેઝ એન્ડ મીન્સ કમિટી દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. આ 389 પાનાના દસ્તાવેજના 327મા પાના પર આવા તમામ નાણાં ટ્રાન્સફર પર 5% કર લાદવાની જોગવાઈનો ઉલ્લેખ છે. જોકે, તેમાં લઘુત્તમ રકમનો કોઈ ઉલ્લેખ નથી.
આનો અર્થ એ થયો કે હવે જો કોઈ વ્યક્તિ અમેરિકાથી ઓછા નાણા મોકલે છે, તો પણ જો તે અમેરિકન નાગરિક નથી અથવા તેને અમેરિકન નાગરિકતા મળી નથી, તો તેણે ટેક્સ ચૂકવવો પડશે. આ ટેક્સ તે જગ્યાએ કાપવામાં આવશે જ્યાંથી પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં મોટી સંખ્યામાં ભારતીયો રહે છે.
ભારત એવા ટોચના દેશોની યાદીમાં પણ સામેલ છે જ્યાંથી એનઆરઆઈ દ્વારા સૌથી વધુ નાણાં મોકલવામાં આવે છે. માર્ચ 2024માં જાહેર કરાયેલા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના સર્વે મુજબ, 2023-24 દરમિયાન, અમેરિકામાં રહેતા ભારતીયોએ ત્યાંથી 32 અબજ ડોલર તેમના દેશમાં તેમના પરિવાર અને સંબંધીઓને મોકલ્યા હતા.