લો બોલો ! હવે ફેવિક્વિક પણ નકલી, રાજકોટની ત્રણ દુકાનમાંથી 1918 નકલી ફેવિક્વિક સાથે વેપારીની ધરપકડ
ગુજરાતમાં અત્યારે નકલીની ભરપૂર બોલબાલા છે અને અધિકારીઓથી માંડી સામાન બધું નકલી મળી ચૂક્યું છે અને મળી રહ્યું છે ત્યારે વસ્તુને સાંધવા માટે નાની પરંતુ કામની એવી ફેવિક્વિક પણ નકલી હોવાનું ધ્યાન પર આવતાં ચકચાર મચી જવા પામી છે. ગાંધીગ્રામના એસ.કે.ચોક અને ગાંધીનગર સોસાયટીમાં આવેલી ત્રણ દુકાનમાંથી 1918 નકલી ફેવિક્વિક મળી આવતાં ત્રણેય વેપારી સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી હતી.
આ અંગે એમ/એસ પીડીલાઈટ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના કાનૂની સલાહકાર અંકુરશર્મા રાજકુમાર શર્માએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં નકલી ફેવિક્વિક વેચાઈ રહ્યાની માહિતી મળતાં જ તેમણે ગાંધીગ્રામ પોલીસને સાથે રાખી દુકાનમાં ચેકિંગ કર્યું હતું. તેમણે ગાંધીગ્રામ સોસાયટીના એસ.કે.ચોક વિસ્તારમાં મુરલીધર પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાં તપાસ કરતાં ત્યાંથી 29 નંગ નકલી ફેવિક્વિકનો જથ્થો મળતાં દુકાન માલિક મુકેશ રમેશભાઈ ડાંગર સામે ફરિયાદ નોંધાવી હતી.
આ ઉપરાંત એસ.કે.ચોક વિસ્તારમાં ચામુંડા જનરલ સ્ટોરમાં તપાસ કરતાં ત્યાંથી 33 નંગ ફેવિક્વિક મળતાં દુકાનમાલિક આશિષ દિનેશભાઈ વાઢિયા અને ગાંધીનગર સોસાયટી શેરી નં.1/2ના ખૂણે સત્યમ ડિપાર્ટમેન્ટ સ્ટોર નામની દુકાનમાંથી 1856 નંગ નકલી ફેવિક્વિક મળી આવતાં તેના માલિક રવિ હરસુખલાલ રાયચુરા સામે ફરિયાદ નોંધાવી હતી. આમ ત્રણ દુકાનમાંથી 9590 રૂપિયાની કિંમતની 1918 ફેવિક્વિક મળી આવતાં ત્રણેય વેપારીની ધરપકડ કરાઈ હતી.