નીતિશ અને નાયડુએ મંત્રાલયો માંગ્યા ? જુઓ
લોકસભા ચૂંટણી બાદ સરકારની રચનાને લઈને ચાલી રહેલા સસ્પેન્સ પરથી હવે પડદો ઊંચકતો જણાય છે. ભાજપે એનડીએના ઘટકોની બુધવારે બેઠક બોલાવી હતી આ બેઠક પહેલા ટીડીપી ચીફ ચંદ્રાબાબુએ એવું નિવેદન આપ્યું હતું, જેણે નરેન્દ્ર મોદી સરકાર 3.0ની પુષ્ટિ કરી દીધી હતી. નાયડુ અને નીતિશ બુધવારે સવારે જ દિલ્હી પહોંચી ગયા હતા. બંને એનડીએ સાથે જ રહેવાના છે તેવું જણાવ્યું છે.
બીજી બાજુ એવી જોરદાર ચર્ચા પણ દિલ્હીમાં ચાલી હતી કે નાયડુએ સ્પીકર પદ અને 5 મહત્વના મંત્રાલય માંગ્યા છે. એ જ રીતે નીતિશે પણ કેટલાક મંત્રાલય માંગી લીધા હોવાની ચર્ચા હતી. ચિરાગ પાસવાન અને માંઝી પણ એક એક મંત્રાલય માંગી રહ્યાની વાત બહાર આવી હતી.
બુધવારે જ્યારે ટીડીપીના વડા એન ચંદ્રબાબુ નાયડુને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પૂછવામાં આવ્યું કે તેઓ દિલ્હીમાં કોને સમર્થન આપવા જઈ રહ્યા છે, તો તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ એનડીએ સાથે મજબૂતીથી ઉભા છે. ચંદ્રબાબુ નાયડુએ કહ્યું, ‘તમે હંમેશા સમાચાર ઈચ્છો છો. હું અનુભવી છું અને આ દેશમાં ઘણા રાજકીય ફેરફારો જોયા છે. અમે એનડીએમાં છીએ અને હું એનડીએની બેઠકમાં જઈ રહ્યો છું.’
બીજી તરફ સીએમ નીતિશ કુમાર પણ એનડીએની બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચી ગયા છે. તેમણે સમર્થનને લઈને કોઈ નિવેદન આપ્યું નથી, પરંતુ તેમની પાર્ટી જેડીયુએ સ્પષ્ટ કર્યું છે કે તે એનડીએ સાથે જ રહેશે.
જો કે બંને નેતાઓ નીતિશ અને નાયડુ એનડીએની સાથે જ રહેવા માંગે છે તે વાત સાફ થઈ ગઈ હતી. આમ છતાં બિહારને ખાસ રાજ્યનો દરજ્જો આપવાની માંગ પણ ઉઠી શકે છે તેવો ઈશારો જદ યુના નેતાઓએ કર્યો હતો.
