નિર્ભયાના માતાએ માંગ્યું મમતા બેનર્જીનું રાજીનામું: રાજકારણ ન રમવા અનુરોધ
પૂછ્યું,” મમતાએ કોના વિરોધમાં રેલી કાઢી?”
વર્ષ 2012માં સમગ્ર દેશને હચમચાવી નાખનાર ‘ નિર્ભયા કાંડ ‘ની પીડિતાના માતા આશાદેવીએ કોલકત્તાની ઘટના અંગે આઘાત અને રોષની લાગણી પ્રગટ કરી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના રાજીનામાની માંગણી કરી હતી. આવવી કરુણ,ક્રૂર અને ધ્રુણાસ્પદ ઘટનામાં પણ રાજકારણ ન રમવા તેમણે મુખ્યમંત્રીના અનુરોધ કર્યો હતો.
આશાદેવીએ કહ્યું કે નિર્ભયાકાંડ 2012માં બન્યો હતો અને તેને આટલા વર્ષ થઈ ગયા છતાં પરિસ્થિતિમાં કાંઈ ફેર નથી પડ્યો. એક યુવાન મહિલા તબીબ દુષ્કર્મ અને હત્યાનો ભોગ બની છે ત્યારે પણ રાજકારણીઓ ગંદા રાજકારણ અને દોષારોપણોમાં વ્યસ્ત છે તે બાબતે તેમના આઘત વ્યક્ત કર્યો હતો.
આશાદેવીએ મમતા બેનર્જી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યાનો આક્ષેપ કરી સખત શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. આ ઘટના બાદ રાજ્ય સરકાર ઉપર તડાપીટ બોલ્યા બાદ મમતા બેનર્જીએ રેલી કાઢી હતી તેનો ઉલ્લેખ કરી આશાદેવીએ સવાલ કર્યો કે પશ્ચિમ બંગાળનું આરોગ્ય ખાતુ અને ગૃહ ખાતું તથા પોલીસ તંત્ર રાજ્ય સરકારના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે તો પછી મમતા બેનર્જીએ રેલી કાઢીને વિરોધ કોનો કર્યો?
તેમણે કહ્યું કે નિર્ભયાકાંડને 12 વર્ષ સુધી ગયા પરંતુ તેમાંથી આપણે કાંઈ જ શીખ્યા નથી. શાસકીય વ્યવસ્થામાં કોઈ સુધારો થયો નથી. તેમણે રાજકારણીઓને ગંદુ રાજકારણ પડતું મૂકી મહિલાઓની સલામતી અને કાયદા સુધારણા ઉપર ધ્યાન આપવા અનુરોધ કર્યો હતો. કોલકાતાના કેસમાં એક કરતાં વધારે આરોપીઓ હોય તો બધાને વીના વીલંબે સજા આપવા અને પીડિતાને ન્યાય અપાવવા તેમણે માગણી કરી હતી. તેમણે વ્યથાભેર જણાવ્યું કે હોસ્પિટલમાં એક મહિલા તબિયત પણ સલામત ન હોય તો સામાન્ય મહિલા કે યુવતી ની સલામતી માટે આપણે શું આશા રાખવી?
કોલકતામાં વિરોધ દબાવવાનો પ્રયાસ સભા અને રેલીઓ પર પ્રતિબંધ
મહિલા તબીબ સાથે બનેલી ઘટના બાદ મમતા સરકાર રક્ષણાત્મક સ્થિતિમાં આવી ગઈ છે. દરરોજ મોટી સંખ્યામાં લોકો વિરોધ પ્રદર્શન માટે રસ્તાઓ પર ઉતરી આવે છે ત્યારે એ વિરોધને ખાળવા માટે કોલકતા પોલીસ કમિશનરે પ્રતિબંધિત આદેશો જાહેર કર્યા હતા. પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 163 હેઠળ કોલકતા તેમજ દક્ષિણ 24 પરગણા વિસ્તારમાં પાંચથી વધારે લોકોને એકત્ર થવા પર તેમજ સભા અને રેલીયો યોજવા પર પ્રતિબંધ લાદી દીધો હતો. તારીખ 24 ઓગસ્ટ સુધી આ પ્રતિબંધ અમલમાં રહેશે. નોંધનીય છે કે મહિલા તબીબ પર જ્યાં અત્યાચાર થયો એ હોસ્પિટલમાં ટોળાએ તોડફોડ કરી હતી. એ ઘટનાને રાજ્ય સરકાર કેમ રોકી ન શકી તેવો અદાલતે પણ સવાલ કર્યો હતો. બાદમાં હજુ પણ વધુ હિંસક દેખાવો અને તોફાનો થઈ શકે છે તેવા ઇન્ટેલિજન્સ રિપોર્ટ બાદ આ પ્રતિબંધો લાદવામાં આવ્યા આવવાનું પોલીસ કમિશનરે જણાવ્યું હતું.
ખોટી માહિતી ફેલાવવા બદલ બે તબીબ અને ભાજપના નેતા ભીંસમાં
મહિલા તબીબ પરના દુષ્કર્મ અને હત્યાના બનાવ બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ફેલાવવામાં આવતી અફવાઓ અને ગેરમાહિતીઓ સામે પોલીસે લાલ આંખ કરી બે તબીબો તથા ભાજપના સિનિયર મહિલા નેતાને પૂછપરછ માટે તેડું મોકલ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર ડોક્ટર કુણાલ સરકાર અને ડોક્ટર સુબરતા ગોસ્વામીએ આપેલી ખોટી માહિતીઓને કારણે ગેંગરેપ થયો હોવાની અફવા જંગલના દવ માફક ફેલાઈ ગઈ હતી. ડોક્ટર ગોસ્વામીએ કેટલાક પ્રસાર માધ્યમોને આપેલા ઇન્ટરવ્યૂમાં પોતે પોસ્ટમોટમ રિપોર્ટ જોયો હોવાનું જણાવ્યું હતું. પીડિતાના શરીરમાંથી 150 ગ્રામ વીર્ય મળ્યું હોવાનું અને પેડુ તથા કમરમાં ફેક્ચર હોવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવાયું હોવાનો તેમણે દાવો કર્યો હતો. જો કે પોલીસે પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં એવો કોઈ ઉલ્લેખ ન હોવાનો ખુલાસો કર્યો હતો. બીજી તરફ ભાજપના સિનિયર મહિલા નેતા અને ભૂતપૂર્વ સાંસદ લોકેટ ચેટરજીએ પીડિતાની ઓળખ જાહેર કરી કાયદાનો ભંગ કર્યો હતો. એ ઉપરાંત તેમણે પણ અનેક ખોટી માહિતીઓ ફેલાવી હોવાનો પોલીસે આરોપ મૂક્યો છે. તેમની સામે બે કેસ નોંધવામાં આવ્યા હતા.
રજ્યોની કાયદો વ્યુવસ્થાની સ્થિતિ પર કેન્દ્રની ચાંપતી નજર
કોલકત્તાની ઘટના બાદ દેશભરમાં તબીબો તથા નર્સિંગ સ્ટાફ અને અન્ય સંગઠનો વિરોધ પર ઉતરી આવ્યા છે ત્યારે રાજ્યોની કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડે નહિ તે માટે કેન્દ્રએ પગલા શરૂ કર્યા છે. ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને તેમના રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે દર બે કલાકે ગૃહ મંત્રાલયના કંટ્રોલરૂમને ઇમેલ, ફેક્સ અથવા whatsapp ઉપર માહિતી આપવાનો આદેશ કર્યો છે. કોઈપણ અનિચ્છનીય ઘટના અંગે કેન્દ્ર સરકારને તાકીદે જાણકારી મળે અને યોગ્ય પગલાં લઈ શકાય તે હેતુથી આદેશ જારી કરવામાં આવ્યો હોવાનું ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું.