આંધ્ર વિધાનસભામાં એનડીએનો સપાટો .. વાંચો
દેશભરમાં લોકસભાની બેઠકના પરિણામોની સાથે આંધ્રપ્રદેશ વિધાનસભાની 175 બેઠકોના પરિણામો પર મતગણતરી ચાલી રહી છે, ત્યારે હાલ મળતા અહેવાલો મુજબ એન.ચંદ્રબાબુ નાયડુ ની પાર્ટી તેલુગુ દેશમ પાર્ટી 127 બેઠક મળી રહી છે. આ સાથે રાજ્યમાં ચંદ્રબાબુની પાર્ટી સત્તા પર આવવાની પુરેપુરી સંભાવના જોવા મળી રહી છે.
એનડીએ એ 135 બેઠકો પર વિજય મેળવ્યો છે. તેને બહુમતી મળી ગઈ છે. બહુમતી માટે અહીં 88 બેઠકોની જરૂર હોય છે.
ચંદ્રબાબુ નાયડુની આગેવાની હેઠળ એનડીએ ગઠબંધન આંધ્ર પ્રદેશમાં કુલ 175 વિધાનસભા બેઠકોમાંથી 135 બેઠક પર આગળ વધીને પ્રારંભિક વલણોમાં બહુમતીનો આંકડો પાર કરી ગયો છે. ટીડીપી 127 બેઠકો પર આગળ છે, જ્યારે ભાજપ 8 બેઠકો પર અને પવન કલ્યાણની જનસેના 21 બેઠકો પર આગળ છે. જ્યારે રાજ્યની સત્તાધારી પાર્ટી વાયએસઆરસીપી માત્ર 22 બેઠકો પર આગળ ચાલી રહી છે.
બહુમતી માટે 88 બેઠકો
આંધ્ર પ્રદેશમાં વિધાનસભાની 175 બેઠકો છે. સરકાર બનાવવા માટે 88 ધારાસભ્યોની જરૂર છે. રાજ્યમાં જગન મોહન રેડ્ડીની આગેવાની હેઠળની યુવા શ્રમિક રાયથુ કોંગ્રેસ પાર્ટીનું શાસન છે. ટીડીપી, જનસેના પાર્ટી (જેએસપી) અને ભાજપ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી વિરુદ્ધ ગઠબંધનમાં છે, જ્યારે બીજી બાજુ કોંગ્રેસ છે.
ટીડીપી ચૂંટણી પહેલા ફરી એનડીએમાં સામેલ થઈ હતી.
ચૂંટણી પહેલા, આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના નેતા ચંદ્રબાબુ નાયડુએ ભાજપના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (એનડીએ)માં પુનરાગમન કર્યું હતું. વર્ષ 1996માં ટીડીપી પહેલીવાર એનડીએનો ભાગ બની હતી. ચંદ્રબાબુ નાયડુએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે નજીકથી કામ કર્યું હતું. એટલું જ નહીં, ટીડીપીએ આંધ્રપ્રદેશમાં 2014ની લોકસભા અને વિધાનસભાની ચૂંટણી પણ ભાજપ સાથે મળીને લડી હતી, પરંતુ 2019માં ટીડીપી એનડીએથી અલગ થઈ ગઈ હતી.
