ન હમ હારે થે, ન હમ હારે હે : નરેન્દ્ર મોદી
NDAના નેતા તરીકે ચૂંટાયા પછી વડાપ્રધાને કહ્યું કે ઘણા લોકો ભ્રમ ફેલાવી રહ્યા હતા કે આપણે હારી ગયા છીએ પણ
ભાજપ અને સાથો પક્ષોના ચૂંટાયેલા સાંસદોને કર્યું સંબોધન
10 વર્ષમાં 100 બેઠકો નથી લાવી શકી કોંગ્રેસ
ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવા માટે વિપક્ષે સુપ્રિમ કોર્ટના દરવાજા ખખડાવ્યા
વિપક્ષે ગઠબંધનનું નામ બદલ્યુ પણ લોકો કૌભાંડ ભૂલ્યા નથી
આજે એન.ડી.એના ચૂંટાયેલા સભ્યોની બેઠકમાં નેતા તરીકે ચૂંટાયા પછી સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક મુદ્દાઓ આવરી લીધા હતા. તેમણે એન.ડી.એ. ના ગઠબંધનને મજબુત ગઠબંધન ગણ્યું હતું તો સાથોસાથ વિપક્ષની ઝાટકણી પણ કાઢી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે હારી ગયા છીએ તેવો ભ્રમ ઉભો કરવામાં આવ્યો હતો પરંતુ ન હમ હારે થે, ન હમ હારે હે. આપણે તો વધુ મજબુત થયા છીએ.
તેમણે કહ્યું કે, ભારતના આવા મહાન લોકતંત્રની તાકાત જુઓ કે આજે લોકોએ દેશના 22 રાજ્યોમાં સરકાર બનાવીને NDAને સેવા કરવાની તક આપી છે. આપણું આ જોડાણ સાચા અર્થમાં ભારતનો આત્મા છે. હું મારા અંગત જીવનમાં જવાબદારીની ઊંડી લાગણી અનુભવું છું. હું જીવનમાં હંમેશા જે વસ્તુ પર ભાર મૂકું છું તે છે વિશ્વાસ. તમે મને 2019માં તમારા નેતા તરીકે પસંદ કર્યો હતો અને આજે 2024માં પણ તમારા પસંદ કરેલા નેતા તરીકે અહીં ઊભા રહીને મને લાગે છે કે અમારી વચ્ચેનો ‘વિશ્વાસનો સેતુ’ ઘણો મજબૂત છે. ભારતના રાજકીય ઈતિહાસમાં અને ભારતીય રાજનીતિમાં ગઠબંધનના ઈતિહાસમાં ચૂંટણી પહેલાનું ગઠબંધન ક્યારેય એટલું સફળ રહ્યું નથી જેટલું NDA રહ્યું છે. એનડીએ માટે સત્તા મેળવવા કે સરકાર ચલાવવા માટે કેટલાક પક્ષોનો મેળાવડો નથી.
ઈવીએમને લઈને વિપક્ષ પર કટાક્ષ કર્યો
નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યારે 4 જૂને પરિણામ આવી રહ્યા હતા, તે સમયે હું વ્યસ્ત હતો. પછી મને ફોન આવવા લાગ્યા. મેં કોઈને પૂછ્યું કે આંકડા તો ઠીક છે, પણ મને કહો કે ઈવીએમ બરાબર છે કે નહીં. આ લોકો (વિરોધી) ભારતના લોકોનો લોકશાહીમાંથી વિશ્વાસ ગુમાવી દે તેવું કરવા માટે મક્કમ હતા. આ લોકો સતત ઈવીએમનો દુરુપયોગ કરતા હતા. મને લાગતું હતું કે ચૂંટણીના પરિણામો પછી વિપક્ષ ઈવીએમને ગાળો આપશે. પરંતુ 4 જૂનની સાંજ સુધીમાં તેઓનું મોં સીલ થઈ ગયું હતું. EVMએ તેમને ચૂપ કરી દીધા. આ ભારતની લોકશાહીની તાકાત છે.
ચૂંટણી પંચના કામમાં અવરોધ નાખવામાં આવ્યો- મોદી
નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે મને આશા છે કે આગામી પાંચ વર્ષ સુધી ઈવીએમની વાત સાંભળવામાં નહીં આવે. પાંચ વર્ષ પછી જ્યારે આપણે 2029માં જઈશું ત્યારે કદાચ આપણે EVM વિશે ચર્ચા સાંભળીશું. તેમણે કહ્યું કે ચૂંટણી દરમિયાન મેં પહેલીવાર જોયું કે ચૂંટણી પંચના કામમાં હસ્તક્ષેપ કરવા માટે વિવિધ પદ્ધતિઓ અપનાવવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા. આ કામ કરનારા લોકોનું એક જ જૂથ હતું. વિપક્ષ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે ભારતને બદનામ કરવા અને ચૂંટણી પંચને કામ કરતા રોકવા માટે ષડયંત્ર રચવામાં આવ્યું છે.
10 વર્ષનું કામ ફક્ત ટ્રેલર- મોદી
નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે દેશનો NDAમાં અતૂટ વિશ્વાસ છે. હવે લોકોની અપેક્ષાઓ પણ વધશે. 10 વર્ષમાં અત્યાર સુધી કરેલું કામ ટ્રેલર છે. હવે આપણે ઝડપથી કામ કરવું પડશે. લોકોએ આપણામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જનતા ઈચ્છે છે કે અમે અમારા ભૂતકાળના કામના રેકોર્ડ તોડીએ.
નરેન્દ્ર મોદીએ કહ્યું, “મારું માનવું છે કે જો આપણે 2024ની લોકસભા ચૂંટણીના પરિણામોને દરેક માપદંડોથી જોઈએ તો દુનિયા સહમત થશે કે આ NDAની ‘ભવ્ય જીત’ છે. તમે જોયું કે બે દિવસ કેવી રીતે ગયા, એવું લાગી રહ્યું હતું કે આપણે હારી ગયા, કારણ કે તેઓએ (વિપક્ષે) તેમના કાર્યકરોનું મનોબળ વધારવા માટે આવા કાલ્પનિક વચનો આપવા પડ્યા હતા. ગઠબંધનના ઈતિહાસના આંકડાઓ પર નજર કરીએ તો આ સૌથી મજબૂત ગઠબંધન સરકાર છે. આ વિજયને ન સ્વીકારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
નામ બદલવાથી ઇન્ડિયા ગઠબંધનના કૌભાંડોને લોકો ભૂલ્યા નથી – મોદી
નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યારે પણ એનડીએને તક મળી છે ત્યારે તેણે સ્થિર સરકાર તરીકે દેશની સેવા કરી છે. બીજી તરફ ઈન્ડિયા એલાયન્સ છે, જેણે પોતાનું જૂનું યુપીએ નામ બદલી નાખ્યું છે. યુપીએ તેના કૌભાંડો માટે જાણીતી છે. નામ બદલ્યા પછી પણ દેશ તેમના કૌભાંડોને ભૂલી શક્યો નથી. ઇન્ડિયા ગઠબંધને એક વ્યક્તિનો વિરોધ કર્યો અને જનતાએ તેને વિપક્ષમાં બેસાડ્યો.
કોંગ્રેસ 10 વર્ષમાં પણ 100 સીટો સુધી પહોંચી શકી નથીઃ મોદી
નરેન્દ્ર મોદીએ કહ્યું કે 10 વર્ષ પછી પણ કોંગ્રેસ 100 સીટો સુધી પહોંચી શકી નથી. જો આપણે 2014, 2019 અને 2024ની ચૂંટણીઓને જોડીએ તો કોંગ્રેસને એટલી બેઠકો મળી નથી જેટલી આ ચૂંટણીમાં ભાજપને મળી હતી. હું સ્પષ્ટપણે જોઈ શકું છું કે ઈન્ડિયા એલાયન્સના લોકો પહેલા ધીમે ધીમે ડૂબતા હતા, હવે તે ઝડપથી ડૂબવા જઈ રહ્યા છે.
NDAના નેતા પસંદ થવું એ સૌભાગ્યની વાતઃ મોદી
આજે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ એટલે કે એન.ડી.એની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગઠબંધનના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં રાજનાથ સિંહે નરેન્દ્ર મોદીના નામનો વડા પ્રધાનપદ માટે પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવને અમિત શાહ, નીતીન ગડકરી અને JDS નેતા એચડી કુમારસ્વામીએ ટેકો આપ્યો હતો.
આ બેઠકમાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હું બહુ ભાગ્યશાળી છું કે બધાએ સર્વસંમતિથી મને NDAનો નેતા ચૂંટી કાઢવામાં આવ્યો છે. તમે બધાએ મને એક નવી જવાબદારી આપી છે અને હું તમારા બધાનો બહુ આભારી છું. આપણી વચ્ચે વિશ્વાસનો પુલ મજબૂત છે. આ સંબંધ વિશ્વાસના મજબૂત પાયા પર છે અને એ સૌથી મોટી પૂંજી છે.