‘ઘરવિહોણા’ લોકોને એક ફોન પર ‘રેનબસેરા’માં ખસેડશે મનપા: શરત લાગુ !!
- રસ્તા-ફૂટપાથ પર કોઈ વ્યક્તિ સૂતેલું દેખાય એટલે ૧૫૫૩૦૪ ઉપર ફોન કરી ટીમ બોલાવી શકાશે
- જો કે તે પહેલાં તે વ્યક્તિ રેનબસેરામાં જવા માંગે છે કે નહીં તે માટે કરવો પડશે `તૈયાર’
રાજકોટમાં અત્યારે કડકડતી ઠંડી પડી રહી છે. જેમની પાસે `આશરો’ મતલબ કે ઘર છે તેઓ તો ત્યાં રહીને આરામ કરી શકે છે પરંતુ અનેક લોકો એવા હોય છે જેમની પાસે ઘર તો શું એક નાની ઓરડી પણ હોતી નથી. આવા લોકો નાછૂટકે ફૂટપાથ અથવા તો રસ્તા ઉપર સૂઈ જતાં હોય છે જેના કારણે હાડ થીજાવી દેતી ઠંડીમાં તબિયત બગડવા કે મૃત્યુ સુધીના બનાવ નોંધાયા છે. આવા લોકો માટે મહાપાલિકા દ્વારા `રેનબસેરા’ની વ્યવસ્થા કરાઈ છે પરંતુ ત્યાં જવા માટે દસમાંથી પાંચ લોકો તૈયાર થતાં ન હોય હવે ફરી વખત આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું કે રસ્તા પર કે ફૂટપાથ પર કોઈ વ્યક્તિ સૂતેલી હોય એટલે લોકો ૧૫૫૩૦૪ ઉપર ફોન કરી તેની માહિતી આપી શકશે. જો કે વ્યક્તિને સૂતેલી જોઈ માહિતી આપવાની જગ્યાએ ફોન કરનાર વ્યક્તિ તે વ્યક્તિ પાસે જઈને તેને રેનબસેરામાં સમજાવે તે જરૂરી બની જાય છે મતલબ કે સીધો ફોન કર્યા બાદ મહાપાલિકાની ટીમ સ્થળ ઉપર તો જશે પરંતુ જો તે વ્યક્તિ રેનબસેરામાં જવાનો ઈનકાર કરશે તો ટીમે પરત ફરવું પડશે !
![](https://voiceofdaynews.com/wp-content/uploads/2025/01/WhatsApp-Image-2024-12-12-at-4.58.18-PM-700x930-7.jpeg)
આ માટે મહાપાલિકાની ટીમ સવારે ૬ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી ઘરવિહોણા લોકોને રેનબસેરામાં ખસેડવાની કાર્યવાહી કરશે સાથે સાથે ટીમ દ્વારા પણ કાઉન્સેલિંગ કરાશે. અત્યારે મહાપાલિકા પાસે ભોમેશ્વર, આજીડેમ, મરચાપીઠ, શાળા નં.૧૦ (હોસ્પિટલ ચોક), રામનગર (૮૦ ફૂટનો રોડ) ખાતે રેનબસેરા કાર્યરત છે જ્યાં ૧૦૪૮ લોકો રહી શકે, જમી શકે તેવી વ્યવસ્થા છે.