ટીમ ઈન્ડિયા વતી ક્યારેય ન રમેલા મિથુન મન્હાસ બન્યા BCCIના નવા ‘બોસ’ : સૌરાષ્ટ્રના જયદેવ શાહની એપેક્સ કાઉન્સીલના સભ્ય તરીકે પસંદગી
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના નવા પ્રમુખની જાહેરાત કરવામાં આવી હતી. અપેક્ષા પ્રમાણે દિલ્હી ટીમના પૂર્વ કેપ્ટન મિથુન મન્હાસ ઉપર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો હતો. મિથુન મન્હાસને ક્યારેય ભારતીય ટીમ તરફથી રમવાની તક મળી નથી તે પણ નોંધનીય છે. આ ઉપરાંત રાજીવ શુક્લા અને દેવજીત સૈકિયાને ફરીથી બીસીસીઆઈના ઉપપ્રમુખ અને સચિવ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. પ્રભતેજસિંહ ભાટિયાએ રોહન દેસાઈની જગ્યાએ જોઈન્ટ સેક્રેટરીની જવાબદારી સંભાળી હતી. ભાટિયા અગાઉ બીસીસીઆઈના ખજાનચી હતી જ્યારે હવે આ જગ્યા રઘુરામ ભટ્ટ સંભાળશે. જ્યારે બીસીસીઆઈની એપેક્સ કાઉન્સીલના સભ્ય તરીકે સૌરાષ્ટ્રના જયદેવ શાહની પસંદગી કરવામાં આવી હતી.
આ પણ વાંચો :સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આવશે ગુજરાત : 2 ઓક્ટોબરે કચ્છની મુલાકાતે લેશે, સરહદ સુધી જશે
મિથુન મન્હાસની વાત કરવામાં આવે તો તેમનું નામ જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસોસિએશન દ્વારા મોકલવામાં આવ્યું હતું. અહીં તેમણે વહીવટદાર તરીકે કામ કર્યું હતું. તેમણે 1997-98 સિઝનમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. તેમણે ભારત અન્ડર-19 અને `એ’ ટીમનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સારા રેકોર્ડ છતા તેમને સીનિયર ટીમમાં જગ્યા મળી ન્હોતી. એ સમયે ભારતીય ટીમમાં સૌરવ ગાંગૂલી, વીવીએસ લક્ષ્મણ, સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ જેવા ખેલાડીઓ સામેલ હતા.
મન્હાસે ત્રણ આઈપીએલ ફ્રેન્ચાઈઝી વતી પણ ક્રિકેટ રમ્યા છે જેમાં દિલ્હી ડેરડેવિલ્સ (હાલ દિલ્હી કેપિટલ્સ), બહાર થઈ ચૂકેલી પૂણે વોરિયર્સ ઈન્ડિયા અને ચેન્નાઈ સુપરકિંગ્સનો સમાવેશ થાય છે. જો કે આઈપીએલમાં તેમના નામે કોઈ ખાસ રેકોર્ડ નથી.
