#Me Too ચળવળથી મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હડકંપ : વધુ એક અભિનેત્રીએ નોંધાવી જાતીય સતામણીની ફરિયાદ
જાતીય શોષણ અંગે કેરાલા સરકારે નિમેલી જસ્ટિસ હેમા કમિટીનો સ્ફોટક અહેવાલ જાહેર થયા બાદ શરૂ થયેલી મી ટુ ચળવળે મલાયલમ ફિલ્મ જગતને ધ્રુજાવી દીધું છે. અત્યાર સુધીમાં કુલ 17 અભિનેત્રીઓએ તેમની સાથે થયેલા જાતીય દૂર વ્યવહાર ની ફરિયાદ નોંધાવતા હાહાકાર મચી જવા પામ્યો છે.સોમવારે વધુ એક અભિનેત્રી સોનાલી મલ્હારે 2013માં ફિલ્મના સેટ ઉપર જ તેની સાથે જાતીય દુર્વ્યવહાર થયો હોવાની એક એક્ટર સામે ફરિયાદ નોંધાવી હતી.
મી ટુ ચળવળને કારણે શોષિત મહિલા કલાકારો હવે જાહેરમાં મેદાને પડી છે. અનેક મોટા ગજાના અભિનેતાઓ પ્રોડ્યુસરો તથા ડાયરેક્ટરોના ચહેરા બેનકાબ થવા લાગ્યા છે. આ ફરિયાદોને પગલે મલાયલમ ફિલ્મ ઉદ્યોગની સર્વોચ્ચ નિર્ણાયક સમિતિ એસોસિએશન ઓફ મલાયલમ મુવીઝનું તેના પ્રમુખ જાણીતા અભિનેતા મોહનકુમારે વિસર્જન કરી નાખ્યું હતું.
આ અગાઉ મિસ મુનીર નામની અભિનેત્રીએ નોંધાવેલી ફરિયાદ મુજબ ફિલ્મના સેટ ઉપર તે ટોયલેટમાં ગઈ ત્યારે અભિનેતા જયસુર્યા એ પાછળથી આવીને તેને આલિંગનમાં ભીંસી દીધી હતી અને ચુંબનો કર્યા હતા. જો તેની બધી માગણીઓને વશ થાય તો વધારે કામ આપવાની ઓફર જયસુર્યાએ કરી હતી. એ અભિનેત્રીએ એવા જ કિસ્સાઓમાં અભિનેતા માનિયાનીલપલ્લા અને લાડબેલા બાબુ અને મુકેશ નામના અભિનેતાઓ સામે પણ ફરિયાદ નોંધાવી છે. બાબુએ કામ આપવાના બહાને ફ્લેટ ઉપર બોલાવી તેની સાથે શારીરિક અત્યાચાર કર્યા હોવાનું અભિનેત્રીએ જણાવ્યું હતું. બંગાળની ફિલ્મ અભિનેત્રી શ્રીલેખા મિત્રાય પણ ડાયરેક્ટર રણજીત સામે હડપલા કર્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.
મી ટુ ચળવળે ભૂકંપ સર્જ્યો
વર્ષ 2017માં તમિલ અને કન્નડ ફિલ્મોમાં કામ કરતી એક અભિનેત્રીનું પાંચ શખ્સો અપહરણ કરી ગયા હતા એ ઘટના પાછળ જાણીતા અભિનેતા દિલીપનો હાથ હોવાના આક્ષેપ થયા હતા એ ઘટના બાદ મલાયલમ
અભિનેત્રીઓ મંજુ વારિયાર,પાર્વતી અને રીમા કલિંગલે મહિલા કલાકારો સાથેના ભેદભાવ તથા જાતીય શોષણ સામે લડવા માટે વુમન સિનેમા કલેક્ટીવ નામના સંગઠનની રચના કરી હતી. એ સંગઠને આપેલી લડત બાદ કેરાલા સરકારે આક્ષેપો ની તપાસ કરવા માટે જસ્ટિસ હેમા કમિટીનું ગઠન કર્યું હતું. એ કમિટીએ 2019 માં સરકારને અહેવાલ સુપ્રત કરી દીધો હતો પરંતુ કાનૂની અડચણોને કારણે અત્યાર સુધી અહેવાલ જારી થઈ શક્યો નહોતો. તાજેતરમાં કેરાલા સરકારે એ અહેવાલ જાહેર કર્યા બાદ હવે એક પછી એક મહિલા કલાકારો ફરિયાદો કરવા આગળ આવી રહી છે.