મમતા બેનર્જીને ઈન્દિરા ગાંધીની જેમ….યુવતીની પોસ્ટ પર થયો હંગામો, પોલીસે કરી ધરપકડ
- મમતાને ઇન્દિરા ગાંધીની જેમ ગોળી મારો; ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મુકાઇ
- કોલકત્તાની યુવતીની ધરપકડ; મહિલા તબીબની હત્યાના વિરોધમાં આ પોસ્ટ મૂકી હતી
વોઇસ ઓફ ડે નવી દિલ્હી
સોશિયલ મીડિયા હેન્ડલ પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જી વિરુદ્ધ ભડકાઉ, વાંધાજનક ટિપ્પણી અને જાનથી મારી નાખવાની ધમકીઓ પોસ્ટ કરવા બદલ કોલકત્તા પોલીસે ધોરણ 12 ની વિદ્યાર્થીનીની ધરપકડ કરી હતી. આ ઘટના આરજી કર હોસ્પિટલમાં પીજી ટ્રેઇની ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યા બાદ બની હતી. કીર્તિ શર્મા નામની આ યુવતીએ એમ લખ્યું હતું કે ઇન્દિરા ગાંધીની જેમ જ મમતા બેનર્જીને પણ ગોળી મારો. ઇન્સ્ટાગ્રામ પર આ પોસ્ટ મુકાઇ હતી.
ટીએમસી નેતાઓ સહિત સોશિયલ મીડિયા યુઝર્સના એક વર્ગે આ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર ચિંતા વ્યક્ત કરી હતી. જેમાં ઈન્દિરા ગાંધીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ લોકોએ પોલીસને કાર્યવાહી કરવા વિનંતી કરી હતી.
કોલકાતા પોલીસ તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ફરિયાદ મળી હતી કે આરોપી વિદ્યાર્થીનીએ આરજી કર હોસ્પિટલમાં તાજેતરની ઘટના સાથે સંબંધિત ત્રણ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી અપલોડ કરી હતી. જેમાં પીડિતાનો ફોટો અને ઓળખ જાહેર કરવામાં આવી હતી, જે ગુનો છે.
આ ઉપરાંત આરોપીએ પશ્ચિમ બંગાળના સીએમ વિરુદ્ધ બે સ્ટોરી પણ શેર કરી હતી. જેમાં વાંધાજનક ટિપ્પણીઓ અને જાનથી મારી નાખવાની ધમકીઓ હતી. આ પોસ્ટ્સ ઉશ્કેરણીજનક હતી અને કોઈપણ સમયે સામાજિક અશાંતિ પેદા કરી શકે છે અને સમુદાયમાં નફરતને પ્રોત્સાહન આપી શકે છે.
છોકરીએ ભૂલ કરી આરોપી વિદ્યાર્થી કીર્તિ ધોરણ 12માં અભ્યાસ કરે છે. તેના પરિવારે મીડિયાને જણાવ્યું કે છોકરીએ ભૂલ કરી છે. લાગણીના કારણે તેણે આ ભૂલ કરી હતી. તે તેના વિશે પછીથી સમજી ગઈ , અમે માફી માંગીએ છીએ.