રાજકોટના માલ્યા-મોદી-ચોકસી ! 28 લોકોએ કર્યું 4.13 કરોડનું લોન કૌભાંડ, ભેજબાજોની ટેકનિક જાણીને તમે પણ ચોંકી જશો
- શીતલ પાર્ક પાસે સ્પાયર-2માં આવેલી મીન્ટીફી ફિનસર્વને બ્રાન્ચ મેનેજર સહિતના ત્રણ કર્મીએ બોગસ લોનધારકોને તગડું કમિશન ચૂકવી લોન લેવડાવ્યા બાદ હાથ ઉંચા કરી દીધા’તા
- સૂત્રધાર સહિત પાંચ સકંજામાંઃ મશીન ખરીદ કર્યાના ખોટા બિલ રજૂ કરી લોન મેળવી લીધાનો ખુલાસો
વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોકસી સહિતના ભેજાબાજોએ જે રીતે બેન્કને અબજો રૂપિયાનો ધૂંબો માર્યો હતેો તેવો જ ધૂંબો રાજકોટ, જામનગર, પડધરી, અમદાવાદ, સુરેન્દ્રનગર, મહેસાણા સહિતના શહેર-જિલ્લાના 28 લોકોએ કાવતરું રચી 4.13 કરોડ રૂપિયાનું બેન્ક કૌભાંડ આચરતાં તમામ સામે ગુના નોંધી પકડવા માટે દોડધામ શરૂ કરવામાં આવ્યા બાદ સૂત્રધાર સહિત પાંચ શખ્સો સકંજામાં આવી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે શીતલ પાર્ક પાસે સ્પાયર-2 કોમ્પલેક્સમાં ઓફિસ નં.1324 કે જે મીન્ટી ફી ફીનસર્વ નામથી ઓળખાય છે તેના લીગલ મેનેજરે યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેની કંપની ગ્રાહકનો સીબીલ સ્કોર, ઈન્કમટેક્સ રિટર્ન, એક વર્ષની બેન્કની લેવડ-દેવડ તેમજ મિલકત સહિતના મુદ્દાને ધ્યાનમાં રાખી લોન આપે છે. કંપનીમાં સેલ્સ મેનેજર તેમજ બ્રાન્ચ મેનેજર દ્વારા ગ્રાહક લાવવામાં આવે ત્યારે તમામ દસ્તાવેજની ચકાસણી કરી ક્ષમતા મુજબની લોન આપવામાં આવે છે. કંપનીમાં અમિત ઘનશ્યામભાઈ ધરેજીયા કે જે થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન તરીકે નોકરી કરતો હતો જ્યારે હિતેન્દ્રસિંહ સુખદેવસિંહ ઝાલા (રહે.રાજકોટ) બ્રાન્ચ મેનેજર તો આકાશ દિલેશભાઈ વ્યાસ સેલ્સ મેનેજર તરીકે નોકરી કરતા હતા.
આ ત્રણેયે મળીને તા.30-9-2023થી 30-6-2024 સુધીમાં જય ભવાની એન્ટરપ્રાઈઝના માલિક કૌશલકુમાર હર્ષદભાઈ દક્ષિણી, ક્રિષ્ના અશ્વિનભાઈ દક્ષિણી (રહે.સુરેન્દ્રનગર)ને બનાવટી તેની મિલકતનું પંચાયતનું બોગસ રેકર્ડ રજૂ કરી 20 લાખ, શ્રી પાવડર કોટિંગના માલિક અમિત મનહરભાઈ બોરડ (રહે.રાજકોટ)એ મશીનરીના ખોટા બિલ રજૂ કરીને 40 લાખ, એસ.કે.એન્ટરપ્રાઈઝના માલિક પાર્થ કમલેશ દૂધાતરા, શિલ્પા કમલેશ દૂધાતરાએ મિલકત તેમજ જ્યોતિ સીએનસી ઓટોમેશન પ્રા.લિ.ના બિલ રજૂ કરી 25 લાખ, શ્રીજી ટ્રેડિંગના માલિક અરજણ વિઠ્ઠલભાઈ આસોદરીયા, શિલ્પાબેન આસોદરીયાએ 35 લાખ, મા હાડર્વરના માલિક જતીન પ્રવીણભાઈ કણઝારીયા તેમજ મોનિકા કણઝારીયાએ 35 લાખ, દ્વેરકેશ કેડ પમ્પના માલિક હિતેશ કળઝારીયાએ 65 લાખ, મહેક ઈન્ટરનેશનલના માલિક જગદીશ ચૌહાણ અને પ્રજ્ઞા ચૌહાણે 40 લાખ, આરતી એન્ટરપ્રાઈઝસના માલિક વિનોદ નાનજીભાઈ ધારવિયા-પુષ્પાબેન વિનોદભાઈ ધારવીયાને 50 લાખ, આદી એન્ટરપ્રાઈજના માલિક ધારવિયા ચિરાગ ભરતભાઈ તેમજ ભરત રવજીભાઈ ધારવિયાને 25 લાખ, કે.કે.ઓટોમેશનના માલિક જયદીપ ચૌહાણ, પૂનમ કણઝારીયાને 30.31 લાખ, રાજદેવસિંગ મુરારીસીંગ તેમજ રેખા રાજપૂતને 25 લાખ, ડોલી ભાવિક ઠક્કર, ભાવિક ઠક્કરને 13 લાખ, નરેન્દ્ર છગનદાસ અગ્રાવત, તેના પત્ની કાજલ અગ્રાવતને 10 લાખ સહિતના 28 લોકોને 4.13 કરોડની લોન કરાવી આપી હતી.
સેલ્સ મેનેજર આકાશ વ્યાસ ગ્રાહક શોધી તેમની જરૂરીયાત મુજબની લોન માટે દસ્તાવેજી પૂરાવા લઈ લીધા બાદ તે પૂરાવા બ્રાન્ચ મેનેજર હિતેન્દ્રસિંહ સુખદેવસિંહ ઝાલાને આપતો હતો. હિતેન્દ્રસિંહ આ તમામ દસ્તાવેજની ચકાસણી કરી થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન કરાર કરેલ ફોર્મલિક એન્જીનિયર પ્રા.લ. દ્વારા નિમણૂક કરાયેલ અમિત ઘનશ્યામભાઈ ધરજીયા પાસે ખરાઈ કરાવતો હતો. આ ત્રણેયે 28 ગ્રાહકો દ્વારા અપાયેલા દસ્તાવેજી પૂરાવા ખોટા હોવાનું જાણવા છતાં 4.13 કરોડની લોન 30-9-2023થી 30-6-2024 સુધીમાં કરાવી આપી હતી.
લોન લીધા બાદ હપ્તા ભરવામાં ન આવતાં બાઉન્સ થવા લાગ્યા હોય કંપનીને શંકા જતી કંપનીએ દસ્તાવેજની ચકાસણી કરી હતી જે બોગસ જણાઈ આવતાં લોન આપનાર અને લોન લેનાર સહિત 28 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ નોંધાયા બાદ યુનિવર્સિટી પોલીસ મથક દ્વારા અમિત ધરજીયા, હિતેન્દ્રસિંહ સુખદેવસિંહ ઝાલા, હિતેશ કણઝારીયા, કમલેશ પાડલિયા અને જયદીપ ખીમજીભાઈ ચૌહાણને સકંજામાં લઈ કાર્યવાહીનો ધમધમાટ કર્યો હતો.
