થોડા ઇન્તેજાર ઔર : દેવળિયા પાર્કની જેમ સિંહ-સિંહણને રાજકોટ ખુલ્લામાં વિહરતાં જોઇ શકાશે
કમ્પાઉન્ડ વોલ, પ્રાણીઓ- લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી 15 ફૂટ ઉંચી જાળી, પ્રાણીઓને રહેવા માટેનું `ઘર’, પાર્કમાં અવર-જવર
માટે રોડ સહિતનું કામ પૂર્ણ 31 ઓગષ્ટથી સિંહ જોવા મળશે
હવે એન્ટ્રન્સ પ્લાઝા જેમાં ફૂડ કોર્ટ, ગજેબો, એન્ટ્રી ગેઈટ, ટિકિટ
ઓફિસ સહિતનું કામ બાકીઃ બે મહિના વહેલો પ્રોજેક્ટ પૂર્ણ કરાશે
2026ના વર્ષમાં રાજકોટને ફરવા માટે એક અનેરું સ્થળ મળી રહેવાનું છે. આંબરડી, દેવળિયા બાદ ગુજરાતનો ત્રીજો લાયન સફારી પાર્ક પ્રદ્યુમન પાર્ક ઝૂની પાછળના ભાગે રાજકોટમાં નિર્માણ પામી રહ્યો હોય તેનું કામ 31 જૂન સુધીમાં પૂર્ણ થઈ જનાર હોવાનું જાણવા મળ્યું હતું. આ પ્રોજેક્ટનું કામ 2023માં શરૂ થયું હતું. હાલ છમાંથી પાંચ તબક્કા પૂર્ણ થઈ ગયા છે અને છઠ્ઠા તબક્કાનું કામ પણ પૂર્ણ થવામાં હોય નિર્ધારિત સમય કરતા બે મહિલા વહેલો પાર્ક તૈયાર કરી લેવામાં આવશે. જો કે લોકોએ ખુલ્લામાં સિંહ-સિંહણને વિહરતા જોવા માટે બે મહિનાનો સમય લાગશે કેમ કે સિંહદર્શન 31 ઓગસ્ટથી શરૂ થશે.
કુલ 85 એકર જગ્યામાં નિર્માણ પામી રહેલા આ સફારી પાર્કનું 2.75 મીટર ઉંચાઈની કમ્પાઉન્ડ દિવાલનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પ્રાણીઓ તેમજ પાર્કની મુલાકાતે આવનારા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી પાંચ મીટર ઉંચાઈની ચેઈનલીન્ક ફેન્સીંગ જેને જાળી કહેવામાં આવે છે તે, પ્રાણીઓને રાત્રિના જ્યાં રાખવાના છે તે નાઈટ શેલ્ટર, સફારી પાર્કની અંદર અવર-જવર માટે આંતરિક રોડ તેમજ બહાર ઈન્સ્પેક્શન રોડ, પાર્કમાં એન્ટ્રી અને એક્ઝિટની વ્યવસ્થા માટે બનાવાયેલા ટુ-વે ગેઈટ, પાર્કની અંદર પાણીના સંગ્રહ માટે જીએસઆરનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. જ્યારે હાલ ફૂડ કોર્ટ, ગાર્ડન, ગજેબો, ચિલ્ડ્રન્સ પ્લે એરિયા, મુખ્ય પ્રવેશદ્વાર, ટિકિટ ઓફિસ સહિતનું કામ ચાલી રહ્યું હોય જેને 30 જૂન સુધીમાં પૂર્ણ કરી દેવાશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાની સમયમર્યાદા 31 સપ્ટેમ્બર-2026 હતી પરંતુ બે મહિના પહેલાં જ પાર્ક તૈયાર કરી લેવામાં આવશે.
પાર્ક તૈયાર થયા બાદ અહીં આજી ડેમ ખાતે કાર્યરત લાયન બ્રિડિંગ સેન્ટરમાંથી સિંહ અને સિંહણની જોડીને અહીં લાવવામાં આવશે. અહીં તેને શરૂઆતના દસ દિવસ ઓબ્ઝર્વેશનમાં રાખી વાતાવરણમાં સેટ' થવા દેવામાં આવશે. ત્યારબાદ લોકેશન ટ્રેક કરવા સહિતની પ્રક્રિયા શરૂ થશે. એકંદરે આ તમામ પ્રક્રિયા પાછળ બે મહિના નીકળી જાય તેમ હોય 31 ઓગસ્ટથી લોકો અહીંસિંહદર્શન’ કરી શકશે. મહાપાલિકા દ્વારા અહીં સફારી કાર સહિતની વ્યવસ્થા પણ કરાશે જેથી લોકો તેમાં બેસી સિંહ-સિંહણને હરતાં-ફરતાં જોઈ શકશે.
સ્ટ્રક્ચર તૈયાર થયા બાદ આજી ડેમ ખાતે લાયન બ્રિડિંગ સેન્ટરમાંથી સિંહ-સિંહણની એક જોડી લાવી પાર્કમાં મુકાશેઃ ‘સેટ’ થવા માટે અપાશે બે મહિનાનો સમય
