સમયનું મૂલ્ય સમજીને યુવાશક્તિ નવું સર્જન કરે: “2026” ‘ન્યાયનું વર્ષે’ બની રહેશે: પૂજ્ય પારસમુનિ મ.સા.
વર્ષ 2026શનિ અને સૂર્ય ગ્રહના પ્રભુત્વ ધરાવતું વર્ષ હોવાનું જણાવી, સદગુરુદેવ શ્રી પારસમુનિ મહારાજ સાહેબે જણાવ્યું હતું કે, લોકો જ્યારે પણ તારીખ સાથે વર્ષનો ઉલ્લેખ કરે ત્યારે માત્ર “26” લખવાને બદલે સંપૂર્ણ “2026’’ લખે તો સૂર્ય ગ્રહનો સકારાત્મક પ્રભાવ પ્રાપ્ત થશે. જેના પરિણામે આત્મવિશ્વાસમાં વધારો થશે અને હકારાત્મક અભિગમ સાથે નવું વર્ષ જન-જનને જોમ, જુસ્સો અને નવી ઊર્જા આપશે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે વર્ષ “2026 “ન્યાયનું વર્ષે” બની રહેશે. દેશમાં રાજકીય સ્થિરતા આવશે, જોકે કેટલીક અશુભ ઘટનાઓ સાથે સાથે અનેક શુભ અને સકારાત્મક ઘટનાઓ પણ બનશે. એકંદરે દેશ હકારાત્મક દિશામાં આગળ વધતો રહેશે.આ શુભવાણી ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂજ્ય ગુરુદેવ જગદીશ મુનિ મહારાજ સાહેબના કૃપાપાત્ર શિષ્યરત્ન સદગુરુદેવ શ્રી પારસમુનિ મહારાજ સાહેબે વોઈસ ઓફ ડે મીડિયા હાઉસમાં પધરામણી દરમિયાન ફરમાવી હતી.“વોઈસ ઓફ ડે’ની ખાસ શુભેચ્છા મુલાકાત અહીં રજૂ કરવામાં આવી છે.

પ્રશ્ન: આપના જીવનમાં સંયમનો ભાવ ક્યારે અને કેવી રીતે જાગ્યો? દીક્ષા લેવાનો નિર્ણય લેતા સૌથી મોટો આંતરિક સંઘર્ષ કયો હતો?
ઉત્તર: ગુરુદેવે જણાવ્યું હતું કે, તેમના પરિવારમાં નાનપણથી જ ધાર્મિક માહોલ રહ્યો છે. માસી, ફૈબા તથા મોટા બહેને દીક્ષા લીધી હોવાથી સંયમ અને ત્યાગના સંસ્કાર બાળપણથી જ મનમાં રોપાયેલા હતા. પૂજ્ય જ્યોત્સનાબાઈ તથા પૂજ્ય પ્રફુલાબાઈ મ.સ.ની પ્રેરણાથી સંયમનો ભાવ વધુ પ્રબળ બન્યો.તેમણે ઉમેર્યું કે દીક્ષા લેવાનો નિર્ણય લેતા કોઈ વિશેષ આંતરિક સંઘર્ષ અનુભવવો પડ્યો ન હતો. માતા–પિતાએ પણ સમજ અને આનંદ સાથે સરળતાથી દીક્ષા માટે મંજૂરી આપી હતી. દીક્ષા અંગીકાર કર્યા બાદ સતત સાત વર્ષ સુધી શાસ્ત્રઅભ્યાસ અને આત્મસાધનામાં લીન રહી સંયમના માર્ગે આગળ વધ્યા હતા.

પ્રશ્ન: અહિંસા આજે માત્ર વિચાર નહીં પરંતુ જીવનશૈલી કેવી રીતે બની શકે?
ઉત્તર: ગુરુદેવે પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું કે, અહિંસાનો સાચો અર્થ એ છે કે પ્રકૃતિ જેવી છે તેવી જ રહેવા દેવી અને તેને કોઈપણ રીતે ખલેલ ન પહોંચાડવી. વર્તમાન સમયમાં માનવ પ્રકૃતિ સાથે સતત છેડછાડ કરી રહ્યો છે, જે હિંસાનું સૂક્ષ્મ સ્વરૂપ છે.તેમણે વધુમાં કહ્યું કે અહિંસા માત્ર દ્રવ્ય સુધી સીમિત નથી, પરંતુ ભાવમાં પણ અહિંસા રાખવી અત્યંત જરૂરી છે. મનથી નકારાત્મક વિચાર ન કરવો, વચન, વર્તન અને વ્યવહારમાં પણ નકારાત્મકતા ન રાખવી એ જ સાચી અહિંસા છે. જ્યાં નકારાત્મકતા પ્રવેશે છે ત્યાં જ હિંસાનું બીજ વવાય છે.અહિંસાને જો વિચારમાંથી જીવનશૈલી બનાવવી હોય તો મન, વાણી અને કર્મ એમ ત્રણેય સ્તરે શુદ્ધતા આવશ્યક છે.
પ્રશ્ન: મૌનનું જીવનમાં શું મહત્વ છે? અને ચાર વર્ષની સાધના પછી ફરી એક વખત આખા વરસની સાધના કરવાનો નિર્ણય કેમ?
ઉત્તર: ગુરુદેવે જણાવ્યું હતું કે, કાલાવડમાં પાંચ વર્ષની સ્થિરતા દરમિયાન ચાર વર્ષ સુધી તબક્કાવાર સાધના કરવામાં આવી છે. હવે તે સાધનાના પરિપાક રૂપે આખું એક વર્ષ પૂર્ણ રીતે સાધનામાં લીન રહેવાનો સંકલ્પ કર્યો છે. તા. 15 ફેબ્રુઆરી, મહાશિવરાત્રીથી લઈને તા. 7 માર્ચ 2027 સુધી મૌન સાધના રહેશે.તેમણે સમજાવ્યું કે સંયમજીવન સ્વયં સાધનામય જીવન છે. જીવનની અનેક પ્રવૃત્તિઓમાંથી નિવૃત્ત થઈ જ્યારે સ્થિર થાય છે, ત્યારે જ ધ્યાન, સ્વાધ્યાય તથા તપ–જપ માટે પૂરતો સમય અને ઊંડાણ મળે છે. મૌન માત્ર વાણીનો વિરામ નથી, પરંતુ અંતર્મુખ થવાની પ્રક્રિયા છે, જે આત્મસાધનાને વધુ સઘન અને પ્રભાવશાળી બનાવે છે.

પ્રશ્ન: ટેક્નોલોજી અને આધ્યાત્મિકતા વચ્ચે સંતુલન કેવી રીતે જાળવી શકાય?
ઉત્તર: ગુરુદેવે જણાવ્યું હતું કે, ખાસ કરીને યુવાવર્ગ જો સમયની સાચી કિંમત સમજીને ટેક્નોલોજીનો સકારાત્મક ઉપયોગ કરે તો નિશ્ચિત રીતે સફળતા પ્રાપ્ત કરી શકે છે. પરંતુ આજના સમયમાં ઘણા લોકો ગેમ્સ, ગેજેટ્સ અને રિલ્સમાં અનાવશ્યક સમય વેડફી રહ્યા છે, જે તેમની શક્તિ અને ક્ષમતાનો વ્યર્થ વપરાશ છે.
તેમણે ઉમેર્યું કે એ.આઈ નવા સર્જન માટેનું સાધન છે. જો સમયસર જાગૃતિ ન આવે તો ભવિષ્યમાં બેરોજગારીની સમસ્યા વધવાની સંભાવના છે. તેથી યુવાનોએ પોતાની શક્તિ માત્ર ઉપભોગમાં નહીં, પરંતુ નવા સર્જન, નવી વિચારધારા અને વિકાસ માટે વાપરવી જોઈએ.ગુરુદેવે ભારપૂર્વક કહ્યું કે ટેક્નોલોજી સાથે સાથે ધ્યાન, સાધના અને મેડિટેશનને જીવનનો ભાગ બનાવવાથી શારીરિક તેમજ માનસિક શક્તિ સક્ષમ બને છે. આ રીતે ટેક્નોલોજી અને આધ્યાત્મિકતાનો સંતુલિત સમન્વય શક્ય બને છે.
પ્રશ્ન: આપના શબ્દોમાં “સાચું જીવન” શું છે? અને યુવાનો માટે આપનો ખાસ સંદેશ શું છે?
ઉત્તર: ગુરુદેવે જણાવ્યું હતું કે, સાચું સુખ માતા–પિતાની “ચરણરજ” લેવાથી પ્રાપ્ત થાય છે. વડીલોના આશીર્વાદ અને તેમના દ્વારા પરિવારમાં મળતો પ્રેમ એ જ સાચી સમૃદ્ધિ અને જીવનની સાચી કમાણી છે.તેમણે ખાસ કરીને યુવાનોને સંદેશ આપતા કહ્યું કે, આજના સમયમાં યુવાનોએ વ્યસનમુક્ત બનવું અત્યંત જરૂરી છે. ડ્રગ્સ, દારૂ, જુગાર જેવી ઘાતક બદીઓથી દૂર રહી, જો કોઈ આ માર્ગે ભટકી ગયો હોય તો પણ ત્યાંથી પાછું વળવાની હિંમત રાખવી જોઈએ. સમયસર લેવાયેલો સાચો નિર્ણય જ જીવનને નવી દિશા આપે છે.ગુરુદેવે ભારપૂર્વક જણાવ્યું કે સંયમ, સંસ્કાર અને સન્માર્ગ પર ચાલવું એ જ “સાચું જીવન” છે, જે વ્યક્તિને તેમજ સમાજને ઉજ્જવળ ભવિષ્ય આપે છે.
ગુજરાતમાં પ્રથમવાર “તકતી મુક્ત” ઉપાશ્રયનું 11 જાન્યુઆરીએ ઉદ્ઘાટન, ભવિષ્યમાં વિશાળ વૈયાવચ્ચ કેન્દ્ર બનશે: પૂ. પારસમુનિ મ.સા.
રાજકોટ ખાતે ગુજરાતમાં પ્રથમવાર સંપૂર્ણપણે “તકતી મુક્ત” ઉપાશ્રયનું ઉદ્ઘાટન આવતી તા. 11 જાન્યુઆરી, રવિવારે યોજાવા જઈ રહ્યું છે. પૂજ્ય ગુરુદેવ પારસમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી જૈન ઇન્ટરનેશનલ વેલ્ફેર ઓર્ગેનાઇઝેશન સંચાલિત શ્રી રૂડાનગર સ્થાનકવાસી જૈન સંઘ રાજકોટ દ્વારા આ વિશિષ્ટ ઉપાશ્રયનો ઉદ્ઘાટન અવસર યોજાશે.આ ઉપાશ્રયનું નામ માતૃશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર (સાવરકુંડલા વાળા, હાલ મુંબઈ) શ્રી ભાનુમતિબેન વનેચંદ પારેખ સ્થાનકવાસી જૈન ઉપાશ્રય રાખવામાં આવ્યું છે. વિશેષ વાત એ છે કે ગુજરાતનું આ પ્રથમ એવું ધર્મસ્થાનક છે જ્યાં કોઈપણ પ્રકારની તકતી, નામફલક કે દાનદાતાની ઓળખ દર્શાવતી ફલક રાખવામાં આવી નથી, જે નિષ્કામ સેવા અને સમભાવનો અનોખો સંદેશ આપે છે.પૂ. પારસમુનિ મહારાજ સાહેબે જણાવ્યું હતું કે, ભવિષ્યમાં આ ઉપાશ્રયની બાજુમાં સાધુ–સાધ્વીજીઓ માટે વિશાળ વૈયાવચ્ચ કેન્દ્ર વિકસાવવામાં આવશે. આ કેન્દ્રમાં તમામ સંપ્રદાયના સાધુ, સંતો તથા સાધ્વીજીઓ સ્થિરવાસ કરી શકશે અને તેમને જરૂરી સેવાસુવિધાઓ પ્રાપ્ત થશે.આ પહેલ જૈન સમાજમાં સમન્વય, સેવા અને સમભાવના મૂલ્યોને વધુ મજબૂત બનાવશે તેમ માનવામાં આવે છે.
રાજકોટમાં દરરોજ 1,000થી વધુ લોકોને ભોજન મળી રહે તેવું વિશાળ ભોજનાલય બનાવવાનો સંકલ્પ
રાજકોટમાં જૈન સંકલ્પ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી સતત ભોજનાલયની સેવાઓ આપવામાં આવી રહી છે. હાલ આ ભોજનાલયમાં દરરોજ 650થી વધુ લોકો લાભ લઈ રહ્યા છે. વધતી જતી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટ દ્વારા હવે વધુ વિશાળ જગ્યા શોધવામાં આવી રહી છે, જેથી ભવિષ્યમાં દરરોજ 1,000થી વધુ લોકોને ભોજન પૂરુ પાડી શકાય.ટ્રસ્ટનો ઉદ્દેશ માત્ર ભોજન પૂરતો સીમિત નથી. બહારગામથી રાજકોટ આવનારા જૈન સમાજના લોકો માટે યોગ્ય રહેવાની સુવિધા મળે તે હેતુસર ભવિષ્યમાં ધર્મશાળા અને ભોજનશાળા એક જ સ્થળે હોય તેવું સંકલિત સંકુલ નિર્માણ કરવાની નેમ પણ વ્યક્ત કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે રાજકોટમાં દસ રૂપિયામાં ચાલતી આ ભોજનશાળામાં છેલ્લા ત્રણ વર્ષમાં કુલ 5,83,821 લોકોએ ભોજનનો લાભ લીધો છે. કાલાવડમાં પણ ચાલતા ભોજનાલયમાં 18000 જેટલા પદયાત્રિકો જે દ્વારકા જઈ રહ્યા હતા તેમને ભોજનલયનો લાભ લીધો છે.
