ભાજપની હેટ્રિક તરફ કુચ અને કોંગ્રેસના ગોથાં
કોંગ્રેસે ઉમેદવારો માટે સેન્સ પણ લીધી નથી તેથી કાર્યકરો નારાજ છે
કોંગ્રેસ પાસે સૌરાષ્ટ્રમાં કોઈ મોટો નેતા બચ્યો નથી
- કોંગ્રેસે ૨૪ બેઠક લડવાની છે પણ હજુ સુધી માત્ર ૭ નામ જ જાહેર કર્યા છે
ગુજરાતમાં ૭મી મેએ મતદાન થવાનું છે એ નક્કી થઇ ગયું છે અને આ સાથે જ ચૂંટણીમાં ગરમાવો આવી ગયો છે. ગુજરાતમાંથી ભાજપ છેલ્લી બે ટર્મથી તમામ ૨૬ બેઠક ઉપર વિજયી બને છે અને આ વખતે પણ તમામ બેઠક જીતીને હેટ્રિક કરવાની ગણતરીએ ચાલી રહ્યો છે તો બીજી તરફ મુખ્ય હરીફ કોંગ્રેસ હજુ ગોથા ખાય છે તેવું લાગે છે. ગુજરાતમાં કોંગ્રેસે આપ સાથે ગઠબંધન કર્યું છે અને ભાવનગર તથા ભરૂચની બેઠક આપના ફાળે ગઈ છે પણ કોંગ્રેસ માટે સમસ્યા એ છે કે હજુ સુધી માત્ર સાત ઉમેદવારો જ જાહેર કરી શકી છે.
એમ તો ભાજપે પણ હજુ મહેસાણા ઉપરાંત સુરેન્દ્રનગર, જુનાગઢ અને અમરેલીના ઉમેદવાર જાહેર નથી કર્યા કારણ કે ત્યાં પેચ ફસાયો છે પણ કોંગ્રેસની સ્થિતિ વધુ ખરાબ બની છે. આ વખતે કોંગ્રેસે સેન્સ પણ લીધી નથી અને તેથી કોણ દાવેદારો છે અથવા કોને ચૂંટણી લડવી છે તે જાહેર થયું જ નથી અને પાર્ટીએ અંદરખાને જ નામો ઉપર વિચારણા કરી લીધી છે. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે એક અઠવાડિયા પહેલા જાહેર કરી દીધું હતું કે નામ ફાઈનલ થઇ ગયા છે અને યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે. લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઈ છે અને ભાજપનો પ્રચાર પણ પુરજોશમાં શરુ થઇ ગયો છે પણ કોંગ્રેસ માટે હજુ આ યોગ્ય સમય આવ્યો નથી.
ભાજપ તેમના ગૃહ રાજ્ય ગુજરાતમાં પ્રભાવશાળી જીત મેળવવાનું લક્ષ્ય ધરાવે છે, માત્ર તમામ 26 લોકસભા બેઠકો પર ક્લીન સ્વીપ જ નહીં પરંતુ 5 લાખ મતથી વધુના વિજય માર્જિનનું લક્ષ્ય રાખ્યું છે. ભલે કાર્યકરો માટે આ પાંચ લાખના માર્જિનવાળી વાત થોડો મુશ્કેલ ટાસ્ક છે આમ છતાં અત્યારથી બધા કામે લાગી ગયા છે. તો તેની સામે કોંગ્રેસના નેતાઓ સુસ્ત છે. માત્ર સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો અહી કોઈ મોટો નેતા છે જ નહી. અર્જુનભાઈ મોઢવાડિયા પક્ષના સૌથી મોટા અને અનુભવી નેતા ગણાતા હતા પણ તેમણે કેસરિયો ધારણ કરી લીધો છે અને આ વખતે ભાજપ તરફથી પોરબંદરથી પેટા ચૂંટણી લડવાના છે ત્યારે કોંગ્રેસની સમસ્યા વધી છે. આ સિવાય અરવિંદ લાડાણી, આપના ભુપત ભાયાણી સહિતના નેતાઓ પણ ભાજપમાં જોડાઈ ગયા છે. ગુજરાતમાં પણ સી.જે. ચાવડા, નારણ રાઠવા, ચિરાગ પટેલ વગેરે ભાજપમાં જોડાઈ ગયા છે.
કોંગ્રેસે સૌરાષ્ટ્રમાં એક માત્ર પોરબંદરની બેઠકના ઉમેદવાર તરીકે લલિત વસોયાનું નામ જાહેર કર્યું છે જયારે બાકીની બેઠકો ઉપર હજુ પસંદગી કરી શકી નથી. સેન્સ લેવાની પ્રક્રિયા ભલે એક પ્રકારનું નાટક જ હોય પરંતુ કોંગ્રેસે આ વખતે આ પ્રક્રિયા પણ કરી નથી તેથી કાર્યકરોમાં અંદરખાને ભારે નારાજગી છે.
રાજકોટની બેઠક ઉપર કોણ લડશે તે પણ હજુ નક્કી નથી. બધા ચુપ છે. ગત વખતે વિધાનસભાની ચૂંટણી લડેલા હિતેશભાઈ વોરા લેઉવા પટેલ છે અને લડવા ઈચ્છુક પણ છે પણ હજુ સુધી મોવડી મંડળે કોઈ સંકેત આપ્યો નથી. વિક્રમ સુરાણી નામના કોળી અગ્રણીનું નામ પણ સપાટી ઉપર આવ્યું છે પણ તેમની રાજકોટમાં કોઈ ઓળખ નથી તેવું લાગી રહ્યુ છે.
એક નેતાએ તો એમ કહ્યું કે ભાજપના ઉમેદવાર પુરુષોતમ રૂપાલા સામે કોંગ્રેસે અત્યારથી હાર માની લીધી હોય તેવું લાગી રહ્યુ છે.
પ્રદેશના મોટા મોટા નેતાઓએ પણ લોકસભાની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી હોવાના અહેવાલો આવી ચુક્યા છે ત્યારે કોંગ્રેસ ભાજપનો કેવી રીતે સામનો કરશે તે જોવું રસપ્રદ રહેશે.
