કર્ણાટક હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સામે કામમાં ધાંધીયા કરતા હોવાનો આક્ષેપ
કર્ણાટક હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સામે વકીલોએ મોરચો માંડ્યો છે. બાર એસોસીએશનના વરિષ્ઠ સભ્યો સહિત 100 વકીલોએ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને પત્ર લખી કર્ણાટક હાઇકોર્ટના ચીફ જસ્ટિસની બિનકાર્યક્ષમતા, કામની વહેંચણીમાં ભેદભાવ અને અનેક વહીવટી છીંડાઓ અંગે પત્ર લખી અદાલતની ગરિમા સાચવી રાખવા ત્વરિત પગલા ભરવાની વિનંતી કરી હતી.
બેંગ્લોર એડવોકેટ એસોસિયેશનના જનરલ સેક્રેટરી ટી.જી. રવિની આગેવાની હેઠળ વકીલોએ લખેલા પત્રમાં જણાવ્યા અનુસાર હાઇકોર્ટના ચીફ જસ્ટિસ પોતે જ સમયસર ફરજ પર હાજર નથી થતા. કોર્ટ શરૂ થવાનો સમય સવારે 10:30 વાગ્યાનો છે પણ એક પણ દિવસ ચીફ જસ્ટિસ એ સમયે હાજર નથી થયા.
એ જ રીતે અદાલત પૂરી થવાનો સમય બપોરે 4:30 વાગ્યાનો છે પરંતુ એક પણ દિવસ ચીફ જસ્ટિસ ત્યાં સુધી રોકાયા નથી. આને કારણે અત્યંત મહત્વના અને અરજન્ટ કેસોના નિકાલમાં પણ ભયંકર વિલંબ થતો હોવાનો વકીલોએ આક્ષેપ કર્યો છે. આ કાર્ય પદ્ધતિને કારણે પેન્ડિંગ કેસોની સંખ્યામાં મોટો વધારો થયો છે.
કર્ણાટક હાઇકોર્ટની કાલામુરાગમ અને ધારવાડ બેન્ચમાં છેલ્લા એક વર્ષથી કેટલાક ન્યાયાધીશો ફરજ પર હાજર ન થતો હોવાની પણ વકીલોએ ફરિયાદ કરી છે.
તેમણે કહ્યું કે કેસોનું લિસ્ટિંગ સમયસર નથી થતું અને લિસ્ટિંગ થતું હોય તો પણ કામના અધુરા કલાકોને કારણે તે નિરર્થક બની જાય છે. વકીલોએ વહીવટી પાંખમાં મોટે પાયે ભ્રષ્ટાચાર હોવાનું જણાવ્યું હતું. લિસ્ટિંગ માટે પણ લાંચ આપી પડતી હોવાનો પત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો.