કર્ણાટકમાં માય સોર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે મુડા દ્વારા કર્ણાટકના મુખ્યમંત્રી સિધ્ધારમૈયાના પત્ની પાર્વતીને ફાળવવામાં આવેલ પ્લોટ માં કૌભાંડ થયા હોવાની એક આરટીઆઇ એક્ટિવિસ્ટે કરેલી ફરિયાદ બાદ મુખ્યમંત્રી સામે કેસ ચલાવવાની કર્ણાટકના ગવર્નર થાવરચંદ ગેહલોતે મંજૂરી આપી દેતા ભારે વિવાદ થયો છે.
કર્ણાટકના એન્ટીગ્રાફટ એન્ડ એન્વાયરમેન્ટલ ફોર્મના પ્રમુખ ટીજે અબ્રાહમે કરેલા આક્ષેપ મુજબ મુડા દ્વારા કર્ણાટકના કેસર નામના ગામડામાં આવેલી પાર્વતી સીધ્ધારમૈયા ની ત્રણ એકર જમીન સાર્વજનિક વિકાસ માટે હસ્તગત કરવામાં આવી હતી.તેના વળતરરૂપે તેમને દક્ષિણ મૈસુરમાં પ્લોટ્સ આપવામાં આવ્યા હતા. વળતર તરીકે અપાયેલ જમીનની કિંમત હસ્તગત કરાયેલ જમીન કરતા અનેક ગણી વધારે હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. એ ઉપરાંત સીધ્ધારમૈયાએ 2023 ની ચૂંટણી દરમિયાન કેરેલી એફિડેવિટમાં તેમના પત્નીના નામની એ જમીનનો ઉલ્લેખ ન કરાયો હોવાની પણ તેમણે ફરિયાદ કરી હતી.
26 જુલાઈના રોજ કર્ણાટકના ગવર્નરે આ મુદ્દે સીધ્ધારમૈયાને શો કોઝ્ નોટિસ પાઠવી હતી.બાદમાં શનીવારે ટીજે અબ્રાહમ ગવર્નરને મળ્યા હતા અને ત્યારબાદ તુરંત જ ગવર્નરે કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી હતી. ગવર્નરના આ આદેશને સીધા રમૈયા અદાલતમાં પડકારશે તેવું માનવામાં આવે છે.
જમીન ભાજપ સરકારના શાસનમાં આપવામાં આવી હતી: સીધા રમૈયા
આ કથિત જમીન કૌભાંડને કારણે કર્ણાટકમાં રાજકારણ ગરમાયું છે. ભાજપ અને જેડીએસ દ્વારા પદયાત્રા કાઢવામાં આવી રહી છે. તેની સામે કોંગ્રેસે પણ પદયાત્રા કાઢવાનો નિર્ણય કર્યો છે. સીધ્ધારમૈયાના જણાવ્યા અનુસાર આક્ષેપોમાં કાંઈ દમ નથી. મૂડા દ્વારા તેમની જમીન ગેરકાયદે રીતે હસ્તગત કરાઇ હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે 2014માં મારી સરકાર હતી ત્યારે વળતર અંગે કોઈપણ નિર્ણય ન લેવાનો મેં નિર્ણય કર્યો હતો. વળતર પેટે જમીન આપવાનો નિર્ણય ભાજપના શાસનમાં લેવાયો હોવાનો તેમણે દાવો કર્યો હતો.