નારાયણ સાઈને ઝટકો, હાઇકોર્ટનો જામીન આપવા ઇનકાર
આસારામના પુત્ર નારાયણ સાંઇને ગુજરાત હાઇકોર્ટે ઝટકો આપ્યો હતો. મળતી જાણકારી અનુસાર, નારાયણ સાંઈને જામીન આપવાનો હાઇકોર્ટે ઇનકાર કર્યો હતો. પિતા આસારામ જોધપુરની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ છે ત્યારે પિતાની સેવા માટે જામીન આપવા નારાયણ સાંઈએ હાઈકોર્ટમાં અરજી કરી હતી.
જો કે, હાઈકોર્ટે અરજી ફગાવવાનું વલણ અપનાવતા જ નારાયણ સાંઈએ અરજી પરત ખેંચી લીધી હતી. પુરતા દસ્તાવેજો ન હોવાથી કોર્ટે નારાયણ સાંઇને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. હાઇકોર્ટે કહ્યું કે અગાઉ નારાયણ સાંઇએ ખોટા દસ્તાવેજો રજૂ કર્યા હતા. નારાયણ સાંઇ કોર્ટની વિશ્વસનીયતા ગુમાવી ચૂક્યો છે. યોગ્ય દસ્તાવેજો અને તેની ચકાસણી જરૂરી છે.
અગાઉ નારાયણ સાંઈએ ખોટા દસ્તાવેજો કોર્ટમાં રજૂ કર્યા હતા. જેને લઈ હાઈકોર્ટે આજે ટિપ્પણી કરી હતી કે, નારાયણ સાંઈ કોર્ટ સમક્ષ વિશ્વસનીયતા ગુમાવી ચૂક્યો છે. નારાયણ સાંઈ પણ બળાત્કારના કેસમાં હાલ સુરતની જેલમાં કેદ છે. વર્ષ 2013માં આસારામ અને તેના પરિવારના કાળા કૃત્યોનો પર્દાફાશ થયો હતો. ત્યારપછી આસારામ પર સગીર બાળકી પર બળાત્કારનો આરોપ લાગ્યો હતો.
