હમાસનો ખાત્મો કરવા ઈઝરાયલે સ્પેશિયલ ફોર્સ બનાવી, વીણી-વીણીને મારવાની તૈયારી
ઈઝરાયલ-હમાસનું યુદ્ધ 17માં દિવસમાં પ્રવેશી ગયું છતાં હજુ સ્થિતિ સામાન્ય થતી નથી દેખાતી. ઈઝરાયલી સૈન્યએ સતત હમાસના ઠેકાણાઓને નિશાન બનાવવાનું ચાલુ રાખ્યું છે. દરમિયાન ઈઝરાયલી ડિફેન્સ ફોર્સ (IDF) એ ગાઝા ઉપરાંત લેબેનોન પર હવાઈ હુમલા વધારી દીધા છે. ઈઝરાયલે હમાસનો ખાત્મો કરવા માટે સ્પેશિયલ ફોર્સની (Special Force Israel) રચના કરી છે. અત્યાર સુધી ગાઝા અને હમાસ વચ્ચેના યુદ્ધમાં 6000થી વધુ લોકો માર્યા ગયા છે.
સ્પેશિયલ યુનિટ બનાવવાનો ઉદ્દેશ્ય શું છે?
એક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈઝરાયલે હમાસના આતંકીઓને શોધી કાઢવા માટે એક સ્પેશિયલ યુનિટની રચના કરી છે. આ યુનિટનો ઉદ્દેશ્ય એવા આતંકીઓને શોધી કાઢવાનો છે જેમણે બોર્ડર પાર કરીને નિર્દોષ ઈઝરાયલીઓને મારી નાખ્યા હતા.
મૃતકાંક 6000ને પાર
ઉલ્લેખનીય છે કે ગાઝાના સંચાલક હમાસ સંગઠન અને ઈઝરાયલ વચ્ચે ભડકેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં કુલ 4600 લોકો ગાઝામાં અને ઈઝરાયલમાં કુલ 1400 જેટલાં લોકોએ જીવ ગુમાવ્યાં છે. 7 ઓક્ટોબરે હમાસના આતંકીઓએ ગાઝામાં હુમલો કરીને આશરે 212 જેટલાં લોકોને બંધક બનાવી લીધા હતા.