પાયલ ગોટીનું `સરઘસ’ કાયદેસર કે ગેરકાયદેસર ? SMC તપાસ કરશે
આખાયે મામલાની તપાસ અમરેલી એસપીએ રચેલી ‘સીટ’ જ ચલાવશે
સૌરાષ્ટ્ર જ નહીં બલ્કે આખા ગુજરાતના રાજકારણમાં ચકચાર મચાવી દેનારા અમરેલીના `લેટરકાંડ’ મુદ્દે ભાજપને ભીંસમાં લેવા માટે વિપક્ષ ધબધબાટી બોલાવી રહ્યો છે. બીજી બાજુ આ મામલે સરકાર પણ ફૂંકી ફૂંકીને છાશ પી રહી છે. આ ઘટનામાં અમરેલીની યુવતી કે જેણે પત્ર ટાઈપિંગ કર્યો હતો તે પાયલ ગોટીની રાતોરાત ધરપકડ કરીને તેનું સરઘસ કાઢવામાં આવતાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. હવે સરકારે આ સરઘસ કાયદેસર છે કે ગેરકાયદેસર તેની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપી હતી.
આ અંગે સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે આખાયે મામલાની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ નહીં કરે. અમારે માત્ર સરઘસ નીકળ્યું તેની જ તપાસ કરવાની છે. બાકીની તપાસ અમરેલી એસપી દ્વારા રચવામાં આવેલી `સીટ’ દ્વારા જ કરવામાં આવશે. ટૂંક સમયમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સરઘસ સમયે હાજર પોલીસ અધિકારીઓ તેમજ જવાનોના નિવેદન નોંધવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે સરઘસ મુદ્દે અમરેલી એસપી દ્વારા એલસીબીના ત્રણ જવાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ત્યારે હવે સ્ટેટ મોનિટરિંગ સેલની તપાસ બાદ આગળ શું કાર્યવાહી થાય છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.