વર્લ્ડ કપ વાનખેડેમાં વીરોએ કર્યું લંકાદહન, ભારતનો 302 રનથી શાનદાર વિજય અને સેમિફાઇનલમાં વટભેર પ્રવેશ
2023ના વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડીયા જોરદાર ફોર્મમાં છે. સતત 7મી મેચ જીતીને ભારતે સત્તાવાર રીતે વર્લ્ડ કપની સુપર-4માં એન્ટ્રી લઈ લીધી છે. ગુરુવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતે શ્રીલંકાને જેવો તેવો નહીં પરંતુ મોટા 302 રનથી પરાજય આપ્યો હતો. વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારતની આ સૌથી મોટી જીત છે. ભારતે 16 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. ટીમે 2007માં બર્મુડાને 257 રનથી હરાવ્યું હતું.
વર્લ્ડ કપના ઈતિહાસમા શ્રીલંકાનો આ ખરેખર કારમો પરાજય છે. શ્રીલંકાની આખી ટીમ 19.4 ઓવરમાં 55 રનમાં ઓલઆઉટ થઈ હતી. મોહમ્મદ શમીએ 5, સિરાજે 3, બુમરાહ-જાડેજાએ 1-1 વિકેટ ઝડપીને લંકાનો વીંટો વાળી દીધો. વિરાટ કોહલી 88, શુભમન ગિલ 92 સહિતના બીજા ખેલાડીઓની સારી ઈનિંગને કારણે ભારતે પહેલા બેટિંગ કરીને 357 જેટલો મોટો સ્કોર બનાવ્યો હતો. આજની મેચમાં ભારતની બેટિંગ અને બોલિંગ બન્ને એકદમ જોરદાર જોવા મળી હતી.
મોહમ્મદ શમીને 5 મોટા ખેલાડીઓને આઉટ કર્યાં
મોહમ્મદ શમીની ઘાતક બોલિંગનો ભોગ શ્રીલંકાના 5 બેટર બન્યાં હતા અને તેઓ ખૂબ ખરાબ રીતે આઉટ થયા હતા.
કોહલી 88 અને શુભમનના 92 રન
શ્રીલંકા સામેની મેચમાં વિશાળ સ્કોર ઊભો કરવામાં વિરાટ કોહલી અને શુભમન ગિલનું મોટું યોગદાન આપ્યું હતું. એક તબક્કે તો લાગતું હતું કે બન્ને સદી ફટકારશે પરંતુ એવું ન થઈ શક્યું. કોહલી 88 અને શુભમન ગિલ 92 રનમાં આઉટ થયા હતા. બન્નેએ સદી કરી હોત તો સ્કોર 357 કરતાં વધારે હોત.
વર્લ્ડ કપમાં ભારતની સતત 7મી જીત
શ્રીલંકાને હરાવીને ભારતે વર્લ્ડ કપમાં સતત 7મી જીત મેળવી છે. આ વખતના વર્લ્ડ કપમાં ભારતનું પલડું ભારે છે. એકમાત્ર ભારત જ 7માંથી 7 મેચ જીત્યું છે. જોકે પોઈન્ટ ટેબલમાં તે બીજા નંબરે છે કારણ કે રનરેટ વધારે હોવાથી ભારત કરતાં સાઉથ આફ્રિકા નંબર વન ટીમ બની છે. આ જીત સાથે ભારતના પોઈન્ટ 14 છે. પોઈન્ટ ટેબલમાં તે પહેલા નંબરે છે જોકે સાઉથ આફ્રિકાનો રનરેટ વધારે છે.
શ્રીલંકાનો સૌથી શરમજનક પરાજય
વર્લ્ડ કપમાં શ્રીલંકાનો આ સૌથી શરમજનક પરાજય છે. કારણ કે માત્ર 29 રનમાં તેની 8 વિકેટ પડી ગઈ હતી. શ્રીલંકાનો એક પણ બેટર ભારતના બોલર સામે ચાલ્યો નહોતો અને ધડાધડ પેવેલિયન ભેગા થઈ રહ્યાં હતા. આ મેચમાં શ્રીલંકાનું પ્રદર્શન એટલું ખરાબ રહ્યું કે તેને જિંદગીભર યાદ રહેશે.
પોઈન્ટ ટેબલમાં ભારત નંબર વન
શ્રીલંકા સામેની મહા જીતને કારણે ભારત પોઈન્ટ ટેબલમાં નંબર વન પર પહોંચ્યું છે. ભારતના 14 પોઈન્ટ થયા છે.