ભારતીય સ્ટુડન્ટને હવે કેનેડામાં રસ નથી, શું આવ્યો અહેવાલ ?જુઓ
ભારત અને કેનેડા વચ્ચે સંબંધો વધુ બગડી ગયા છે અને હવે ભારતીય સ્ટુડન્ટ ઉપર પણ તેની અસર પડી રહી છે. મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ માટે કેનેડા જાય છે. જોકે તાજેતરના ઘટનાક્રમમાં ભારતીય વિદ્યાર્થીઓનો મોહભંગ થવાની વાત સામે આવી છે.
કેનેડાના ઈમિગ્રેશન મંત્રી માર્ક મિલરે પણ કહ્યું કે ભારતથી આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ભવિષ્યમાં વધશે તેની શક્યતા પણ ઓછી છે. કેનેડા જવા માગતા ભારતીય વિદ્યાર્થીઓને જે પરમિટ મળે છે તેમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. લગભગ 86 ટકા ઓછા ભારતીય વિદ્યાર્થીઓને પરમિટ મળી છે.
કેનેડા સરકારના અધિકારીએ કહ્યું કે ગત વર્ષની છેલ્લી ત્રિમાસિકમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો એવું એટલા માટે થયું કેમ કે ભારતે પરમિટની પ્રક્રિયા પૂરી કરનારા કેનેડાના રાજદ્વારીઓને દેશમાંથી બહાર કાઢી મૂક્યા હતા. તેનું એક પરિણામ એ પણ હતું કે કેનેડામાં અભ્યાસ માટે અગાઉની તુલનાએ ખૂબ ઓછા વિદ્યાર્થીઓએ અરજી કરી હતી.
ઈમિગ્રેશન મંત્રી મિલર કહે છે કે બંને દેશો વચ્ચેના વણસેલા સંબંધોની અસર શિક્ષણ જગત પર થઇ રહી છે. વિવાદને લીધે ભારતથી ખૂબ ઓછા લોકો અરજી કરી રહ્યા છે. આ સાથે તેને પ્રોસેસ કરનારા અધિકારીઓની સંખ્યા પણ લગભગ અડધી થઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે ગત ઓક્ટોબરમાં 41 કેનેડિયન રાજદ્વારીઓને ભારતથી તગેડી મૂકાયા હતા.