શસ્ત્રો ખરીદવામાં ભારત આગળ: વિશ્વમાં બીજો સૌથી મોટો શસ્ત્રોનો આયાતકાર દેશ બન્યો, રશિયા ઈન્ડિયાનો મુખ્ય ભાગીદાર
દુનિયામાં અશાંતિ વધી છે અને યુધ્ધના સમયમાં હવે અનેક દેશો પોતાના હથિયારોમાં બેકાબૂ વધારો કરી રહ્યા છે. વિશ્વભરમાં હથિયારોની સપ્લાય પર નજર રાખતી સંસ્થા ‘સિપ્રી’ દ્વારા સૌથી વધુ હથિયારો આયાત કરતા દેશોનો ડેટા સાથે રિપોર્ટ જાહેર થયો છે. બઢસ જ દેશોને પોતાની સુરક્ષા હવે પહેલા કરતાં વધારે જરૂરી લાગે છે.
રિપોર્ટ અનુસાર, વર્ષ 2021થી 2025 દરમિયાન ભારત વિશ્વનો બીજો સૌથી મોટો શસ્ત્ર આયાતકાર દેશ રહ્યો છે. જોકે, અગાઉના વર્ષોની સરખામણીએ ભારતની હથિયારોની આયાતમાં 4 ટકાનો ઘટાડો નોંધાયો છે. ભારત પોતાની જરૂરિયાતના સૌથી વધુ 40 ટકા હથિયારો રશિયા પાસેથી ખરીદે છે. જોકે, રશિયા પરની નિર્ભરતામાં સમય જતાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2011-15માં ભારત 70 ટકા હથિયારો રશિયા પાસેથી લેતું હતું, જે 2016-20માં ઘટીને 51 ટકા અને હવે 40 ટકા પર આવી ગયું છે. ભારત હવે પશ્ચિમી દેશો તરફ વળ્યું છે અને ફ્રાન્સ તેમજ ઈઝરાયેલ પાસેથી મોટા પ્રમાણમાં શસ્ત્રોની ખરીદી કરી રહ્યું છે.
રિપોર્ટ મુજબ, રશિયા સાથેના યુદ્ધના કારણે યુક્રેન વિશ્વમાં હથિયારોનો સૌથી મોટો આયાતકાર દેશ બની ગયો છે, જે વૈશ્વિક હિસ્સાના 9.7 ટકા આયાત કરે છે. બીજી તરફ, પાડોશી દેશ ચીને પોતાની ઘરેલું ઉત્પાદન ક્ષમતા વધારતા 1991-95 પછી પ્રથમ વખત તે હથિયાર આયાત કરનારા વિશ્વના ટોપ-10 દેશોની યાદીમાંથી બહાર નીકળી ગયું છે.
આ પણ વાંચો :T20 World Cup 2026 Prize Money: વિશ્વવિજેતા ટીમ ઈન્ડિયા પર પૈસાનો વરસાદ: ₹ 131 કરોડનું બમ્પર ઈનામ, ICC બાદ BCCIએ ખોલ્યો ખજાનો
એશિયાના દેશોની શું છે સ્થિતિ?
હથિયારોની નિકાસની વાત કરીએ તો અમેરિકાએ પોતાનું વર્ચસ્વ મજબૂત કર્યું છે. વિશ્વના કુલ હથિયાર પુરવઠામાં અમેરિકાનો હિસ્સો વધીને 42 ટકા થયો છે. એશિયા અને ઓશેનિયા ક્ષેત્રમાં ભારત, પાકિસ્તાન, જાપાન અને ઓસ્ટ્રેલિયા સૌથી મોટા ખરીદદારો છે. પાકિસ્તાનની હથિયાર આયાતમાં 66 ટકાનો તોતિંગ વધારો થયો છે, જેમાં ચીન તેનો મુખ્ય સપ્લાયર છે (80 ટકા હથિયારો ચીન આપે છે).
