IND vs ENG 3rd Test : આજે લૉર્ડસ પર ભારત-ઈંગ્લેન્ડની ‘અગ્નિપરીક્ષા’ : ભારત વતી બુમરાહ, ઈંગ્લેન્ડ વતી આર્ચરની વાપસી
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રોમાંચક બની ગઈ છે. શ્રેણીની પહેલી ટેસ્ટ મેચ યજમાન ઈંગ્લેન્ડે જીત્યા બાદ બીજી ટેસ્ટ ભારતે જીતી હતી. હવે આજથી લંડનના લૉર્ડસમાં ત્રીજી ટેસ્ટ રમાશે જેમાં બન્ને ટીમની `અગ્નિપરીક્ષા’ થઈ જવાની છે કેમ કે અત્યાર સુધી રમાયેલી બન્ને ટેસ્ટમાં બેટિંગ પેરેડાઈઝ મતલબ કે બેટરોને યારી આપતી પીચ મળ્યા બાદ આજથી શરૂ થનારી ટેસ્ટ માટે બાઉન્સી અને ફાસ્ટ પીચ તૈયાર કરાઈ હોય બેટરો માટે પડકાર બની રહેશે. આ મેચ બપોરે 3ઃ30 વાગ્યાથી શરૂ થો જે રાત્રે 10 વાગ્યા સુધી ચાલશે.
ક્રિકેટનું મક્કા ગણાતાં લોર્ડસ ગ્રાઉન્ડ ઉપર ટીમ ઈન્ડિયાએ 19 ટેસ્ટ રમી છે જેમાં માત્ર ત્રણમાં જ જીત નસીબ થવા પામી છે જ્યારે 12માં પરાજય અને ચાર મેચ ડ્રો રહી છે. છેલ્લે 2021માં ભારતે અહીં ઈંગ્લેન્ડને 151 રને હરાવ્યું હતું. મેચના અંતિમ દિવસે ભારતીય ફાસ્ટ બોલરોએ ઈંગ્લેન્ડને બીજી ઈનિંગમાં માત્ર 120 રને સંકેલી નાખ્યું હતું. આ મેચમાં કે.એલ.રાહુલે 129 રન બનાવ્યા હતા તો રોહિત શર્માએ 83 રનનું યોગદાન આપ્યું હતું. બીજી ઈનિંગમાં ભારતે 8 વિકેટે 298 રન બનાવી દાવ ડિકલેર કરતાં ઈંગ્લેન્ડને 272 રનનો લક્ષ્યાંક મળ્યો હતો જેની સામે તે 120 રને આઉટ થયું હતું.
આ પણ વાંચો : નશાકારક દવાનું વેંચાણ તો નથી થતું ને? મેડિકલ સ્ટોર્સમાં રાજયવ્યાપી દરોડા, રાજકોટમાં 50થી વધુ ટીમો દ્વારા કાર્યવાહી
આ રીતે જોવા જઈએ તો ભારતે લોર્ડસ ગ્રાઉન્ડ પર ઈંગ્લેન્ડને પાછલી મેચમાં હરાવ્યું હોય તેનો આત્મવિશ્વાસ મજબૂત રહેશે. આ ઉપરાંત બાઉન્સી અને ફાસ્ટ પીચ ઉપર ભારત વતી બુમરાહ તો ઈંગ્લેન્ડ વતી આર્ચરની વાપસી થવાથી મેચ વધુ રોમાંચક બની રહેશે. આ ઉપરાંત ભારતનો મોહમ્મદ સીરાજ અને આકાશ દીપ ફોર્મમાં હોય ઈંગ્લેન્ડ માટે પડકાર રહેશે.