બહેનપણીના જન્મ દિવસમાં જાવ છું…ખોટું બોલીને બહાર ગયેલી સગીરાને માતાનો ઠપકો માઠો લાગતાં કર્યો આપઘાત
રાજકોટ શહેરમાં આપઘાતની વધુ એક ઘટના સામે આવી છે. બોલબોલ માર્ગ પર આવેલ રેઈન્બો એવન્યુમાં રહેતી 15 વર્ષીય સગીરા ઘરથી બહેનપણીના જન્મદિવસમાં જાવ છું કહીને બહાર નીકળી હોય જે વાતે પરિવારે તપાસ કરતા ખોટું બોલીને ઘરેથી નીકળી હોવાનું સામે આવ્યું હતું. જે વાતને લઈને માતાએ આપેલા ઠપકાનું લાગુ આવતા સગીરાએ ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી લીધી હતી.
શું છે સમગ્ર મામલો?
વિગતો મુજબ, બોલબાલા માર્ગ પાસે આવેલી રેઈન્બો એવન્યુ સોસાયટીમાં રહેતી અને ધોરણ 10માં અભ્યાસ કરતી 15 વર્ષીય સાક્ષી કિશોરભાઈ ઘાડિયા નામની સગીરાએ ગઈકાલે સાંજે ઘરે ઝેરી દવા ગટગટાવી લેતાં તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

અહીં ટૂંકી સારવારમાં જ તેણીએ દમ તોડી દેતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. બનાવ અંગે જાણ થતાં ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પ્રશાંતસિહ ગોહિલ સહિતનો સ્ટાફ દોડી જઈ જરૂરી કાગળ કાર્યવાહી બાદ મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : વેલકમ શુભાંશુ શુક્લા : અંતરિક્ષમાં 18 દિવસ રહીને પૃથ્વી પર પાછા ફર્યા, કેલિફોર્નિયાના તટ પર સફળ લેન્ડિંગ
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, સગીરા રવિવારે બહેનપણીના જન્મદિવસના જાવ છું તેમ કહીને ઘરેથી બપોરે 3 વાગ્યે નીકળી હતી. જે બાદ ઘરે મોડી પરત ફરતા પરિવારને શંકા ગઈ હતી તપાસ કરતા કોઈ બહેનપણીનો જન્મદિવસ ન હોવાનું સામે આવ્યું હતું આ વાતને લઈને સાક્ષીને માતાએ ઠપકો આપ્યો હોય જેનું લાગી આવતા તેણીએ આ પગલું ભરી લીધું હતું. મૃતક ધોરણ 10માં અભ્યાસ કરતી અને તેના પિતા કેટરસના વ્યવસાય સાથે જોડાયેલા છે. પુત્રીના મોતથી પરિવારમાં ઘેરો શોક છવાઈ ગયો છે.