સતા મળે તો એક કલાકમાં બિહારમાંથી દારૂબંધી હટાવી દઈશ: પ્રશાંત કિશોર
ત્રીજી તારીખે જન સૂરજ પાર્ટી લોન્ચ કરશે
રાજકીય વિશ્લેષક અને વ્યુહકારમાંથી પૂર્ણ કક્ષાના રાજકારણી બની ગયેલા પ્રશાંત કિશોરે આવતા વર્ષે બિહારમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં તેમના પક્ષ જન સૂરાજ ને બહુમતી મળે તો સતા મળ્યે એક જ કલાકમાં બિહારમાંથી દારૂબંધી હટાવી દેવાની હાકલ કરી હતી.
પ્રશાંત કિશોર અગામી 3 ઓક્ટોબરના રોજ તેમની સૂરાજ પાર્ટીનું લોન્ચિંગ કરવાના છે.તે પહેલાં એક સમાચાર એજન્સી સાથે વાત કરતા તેમણે નીતીશકુમારની દારૂબંધીની નીતિને નિષ્ફળ ગણાવી હતી. દારૂબંધીના કાયદાને કારણે બિહારમાં દારૂની હોમ ડિલિવરી શરૂ થઈ ગઇ હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. તેમણે આ કાયદાને કારણે બિહારને 20,000 કરોડ રૂપિયાની એક્સાઇઝની આવક ગુમાવવી પડતી હોવાનું જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે હું કાબેલિયતની રાજનીતિમાં માનું છું. બીજા પડશો દારુબંધી હટાવવા અંગે બોલતા ગભરાય છે કારણ કે તેમને વોટબેંકની ચિંતા છે. પણ હું સ્પષ્ટપણે કહેવા માગું છું કે અમને સતા મળશે તો એક કલાકમાં દારૂબંધી હટાવી દેશું. પ્રસાદ કિશોરે બિહારની કંગાળ હાલત માટે નીતીશકુમાર અને લાલુ પ્રસાદને જવાબદાર ગણાવ્યા હતા. તેમણે બિહારની તમામ 243 બેઠકો પરથી ચૂંટણી લડવાનો નિર્ધાર જાહેર કર્યો હતો.