શિયાળામાં ફ્લાઈટ મોડી થશે તો યાત્રીઓની સુવિધાનું રખાશે ધ્યાન : નાસ્તા-પાણી, ભોજનની વ્યવસ્થા કરવા એરલાઈન્સને આદેશ
- ફ્લાઈટ મોડી થાય તો પ્રવાસીઓ માટે નાસ્તા-પાણી, ભોજનની વ્યવસ્થા કરવા એરલાઈન્સને આદેશ
- ડીજીસીએએ બહાર પાડી માર્ગદર્શિકા : બે કલાક મોડુ થાય તેમ હોય તો પાણી, ચાર કલાક માટે ચા-નાસ્તો અને ચાર કલાકથી વધુ માટે ભોજન આપવુ પડશે
શિયાળામાં ધુમ્મસને લીધે અથવા અન્ય કારણોસર ફ્લાઈટ મોડી પડવાની ઘટના સામાન્ય થઇ જતી હોય છે અને આવા કિસ્સામાં યાત્રીઓને પરેશાનીનો સામનો કરવો પડે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ એરલાઈન્સને ફ્લાઈટમાં વિલંબ દરમિયાન મુસાફરોની સુવિધાનું ધ્યાન રાખવાની સૂચના આપી છે. DGCAએ ફ્લાઇટમાં વિલંબ થવાના કિસ્સામાં મુસાફરોને પાણી, નાસ્તો અને ખોરાક આપવાનું કહ્યું છે.
DGCAએ અનુસાર જો ફ્લાઈટ બે કલાક મોડી થાય છે તો એરલાઈને યાત્રીઓને પીવાની પાણી ઉપલબ્ધ કરાવવાનું રહેશે. તેમજ જો બેથી ચાર કલાક માટે જો ફ્લાઈટ લેટ થાય છે તો ચા-કોફીની સાથે નાસ્તો પણ આપવાની સલાહ ડીજીસીએ કરી છે. જો ચાર કલાકથી વધુ લેટ થાય છે તો એરલાઇન્સે ભોજનની વ્યવસ્થા પણ કરી આપવાની રહેશે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે શુક્રવારે X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, ‘આ જોગવાઈઓનો હેતુ મુસાફરોના અનુભવને સુધારવા અને લાંબા સમય સુધી રાહ જોવાના સમયમાં તેમની મૂળભૂત જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે છે.’
આ સિવાય સિવિલ એવિએશન સેફ્ટી બ્યુરોએ એરલાઈન્સને હવામાન કે ટેકનિકલ કારણોસર એરક્રાફ્ટમાં ફસાયેલા મુસાફરોને ફરીથી બોર્ડિંગ માટે સરળ એન્ટ્રી આપવાનો પણ નિર્દેશ આપ્યો છે. આ પહેલા એરલાઈન્સ યાત્રિકોને પ્લેનમાંથી બહાર આવવાની મંજૂરી આપતી ન હતી. કારણ કે જો તે આવું કરે તો વારંવાર સુરક્ષા તપાસ કરવી પડે છે અને ફ્લાઇટનો ટેકઓફ સ્લોટ ગુમાવવાનું જોખમ હતું.