આવક વેરાએ દેશમાંથી કેટલી રકમની વસૂલાત કરી ? કોની પાસેથી કરી ? વાંચો
આવકવેરા વિભાગે છેલ્લા 20 મહિનામાં કરપાત્ર આવક હોવા છતાં રિટર્ન ન ભરનારા લોકો પાસેથી રૂપિયા 37 હજાર કરોડની વસૂલાત કરી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઉચ્ચ મૂલ્યના વ્યવહારોનું વિશ્લેષણ કર્યા પછી આવા લોકોની ઓળખ કરવામાં આવી હતી. આ ખર્ચ રોકડમાં કરવામાં આવ્યો હતો.
આ લોકોએ 2019-20 દરમિયાન જેમ્સ અને જ્વેલરી, પ્રોપર્ટી અને લક્ઝરી હોલિડેની ખરીદી પર ભારે ખર્ચ કર્યો હતો. એક વરિષ્ઠ અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે આ એવા કિસ્સા છે કે જ્યાં લોકો મોટી ખરીદી કરવા છતાં ટેક્સ રિટર્ન ફાઇલ કરતા ન હતા. વિભાગે છેલ્લા 20 મહિનામાં તેમનો સંપર્ક કર્યો હતો.
કોઈ બચી નહીં શકે
અધિકારીએ જણાવ્યું હતું કે વ્યાપક અને વધુ કડક ટેક્સ કલેક્શન અને ડિડક્શન એટ સોર્સ વ્યવસ્થાએ ઉચ્ચ મૂલ્યના વ્યવહારોને ટ્રેક કરવામાં મદદ કરી છે. આ એવા વ્યવહારો હતા જે કોઈક રીતે કર સત્તાવાળાઓની નજરથી બચી ગયા હતા. આવા ઘણા કિસ્સાઓ પણ છે જેમાં લોકોએ ભારે ખર્ચ કર્યો અને ટેક્સની જવાબદારી હોવા છતાં, શૂન્ય આવક જાહેર કરતા રિટર્ન ફાઈલ કર્યું.
ખર્ચ પેટર્ન અને રિટર્નમાં ફેર
અધિકારીએ જણાવ્યું હતું કે રૂપિયા 37 હજાર કરોડમાંથી, રૂપિયા 1320 કરોડ લોકો પાસેથી વસૂલવામાં આવ્યા હતા જેઓ ઉચ્ચ મૂલ્યના વ્યવહારો કરે છે. વિભાગ એવા કરદાતાઓનો સંપર્ક કરી રહ્યું છે જેમની ખર્ચ પેટર્ન અને આઈટી રિટર્નમાં અનિયમિતતા છે.
કેવી રીતે પકડાઈ ચોરી?
આવકવેરા વિભાગ કરચોરી શોધવા માટે ડેટા અને એનાલિટિક્સનો ઉપયોગ કરી રહ્યું છે અને આવી વ્યક્તિઓને ઓળખવા માટે નાણાકીય વર્ષ 2021 થી નોન-ફાઈલર મોનિટરિંગ સિસ્ટમ તૈનાત કરી છે. અધિકારીએ કહ્યું કે બહુવિધ સ્ત્રોતોમાંથી પ્રાપ્ત ડેટા ટેપ અને સિંક્રનાઇઝ કરવામાં આવી રહ્યો છે. આનાથી વિભાગને કરચોરીની ઓળખ કરવામાં અને આવા લોકોને પકડવાનું સરળ બને છે.