સત્યપાલ મલિકના ઘર સહિત કેટલા સ્થળે સીબીઆઇના દરોડા પડ્યા..જુઓ
હાઇડ્રો પાવર પ્રોજેક્ટ માં ભ્રષ્ટાચાર સંદર્ભે તપાસ
જાન્યુઆરીમાં પણ સીબીઆઇએ દરોડા પાડ્યા હતા
મોદી સરકારના પ્રખર આલોચક,જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ ગવર્નર સત્યપાલ મલિકના નિવાસસ્થાન સહિત 30 સ્થળે સીબીઆઇ એ ગુરુવારે દરોડા પાડયા હતા. કિશ્તવાડના કિરું હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં થયેલા કથિત ભ્રષ્ટાચારની તપાસના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી હતી.નોંધનીય છે કે એ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ સત્યપાલ મલિકે જ લગાવ્યો હતો.
2019માં આ પ્રોજેક્ટનો 2200 કરોડનો સિવિલ વર્કસનો કોન્ટ્રાક્ટ ખાનગી કંપનીને આપવામાં આવ્યો હતો અને તેમાં ગેરરીતિ થઈ હોવાના આરોપ સાથે 2022માં સીબીઆઇ દ્વારા સત્યપાલ માલિક સહિત પાંચ વ્યક્તિ સામે કેસ નોંધવામાં આવ્યો હતો.આ કેસ સંબંધે અગાઉ જાન્યુઆરી મહિનામાં પણ સત્યપાલ મલિક અને તેમના નજીકના સાથીઓને ત્યાં સીબીઆઇ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.સત્યપાલ માલિક 23 ઓગસ્ટ 2018થી 30 ઓક્ટોબર 2019 સુધી જમ્મુ કાશ્મીરના ગવર્નર હતા. તેમણે આ પ્રોજેક્ટ અને અન્ય એક પ્રોજેક્ટની ફાઈલ કલિયર કરવા માટે તેમને 300 કરોડની ઓફર કરવામાં આવી હોવાનો અને તે અંગે તેમણે વડાપ્રધાન મોદીને પણ જાણ કરી હોવાનો દાવો કર્યો હતો.
શું છે ભ્રષ્ટાચારનો મામલો?
સીબીઆઈ એ ચેનાબ વેલી પાવર પ્રોજેક્ટ ( પ્રા.) લી.ના પૂર્વ ચેરમેન નવીન કુમાર ચૌધરી,તેમજ અન્ય ચાર ભૂતપૂર્વ
અધિકારીઓ એમ.એસ.બાબુ,એમ.કે.મિત્તલ,અરુણ કુમાર મિશ્રા અને પટેલ એન્જીન્યરીંગ લી.સામે ગુનો નોંધ્યો હતો.તેની એફઆઈઆરમાં જણાવ્યા મુજબ ટેન્ડરની મૂળ પ્રક્રિયા કેન્સલ કર્યા બાદ ચેનાબ વેલી પાવર પ્રોજેક્ટની 47મી બોર્ડ મીટીંગ માં રિવર્સ ઓકશન સાથે ઇ ટેન્ડરિંગ કરવાનો નિર્ણય લેવાયો હતો પણ તેનો અમલ કર્યા વગર જ પટેલ એન્જીન્યરીંગનું ટેન્ડર મંજૂર કરી દેવાયુ હતું.
હોસ્પિટલમાંથી મલીકે કહ્યું,દરોડાથી ડરતો નથી
સત્યપાલ મલિક છેલ્લા ચાર દિવસથી હોસ્પિટલમાં છે.ત્યાંથી તેમણે ટ્વીટ કરીને કહ્યું કે ,” છેલ્લા ત્રણ ચાર દિવસથી હું બીમાર છું અને હોસ્પિટલમાં છું છતાં તાનાશાહ દ્વારા મારા ઘરે દરોડા પડાવાઈ રહ્યા છે.મારા ડ્રાઈવર અને સહાયકો ને પણ દરોડા દ્વારા હેરાન કરવામાં આવે છે.હું ખેડૂતનો દીકરો છું.આ દરોડાઓથી ગભરાતો નથી.હું ખેડૂતો સાથે છું.”