દેશના કેટલા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકીઓ મળી ? વાંચો
દિલ્હી અને પટના સહિત દેશના 40 એરપોર્ટને બોમ્બની ધમકી મળી આપવામાં આવતા દોડાદોડી અને ચેકિંગની કાર્યવાહી મંગળવારે ચાલુ જ રહી હતી. આ ધમકીઑ ઈ-મેલ દ્વારા આપવામાં આવી હતી. ધમકી મળ્યા બાદ તમામ એરપોર્ટ પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. અધિકારીએ જણાવ્યું કે મંગળવારે દિવસ દરમિયાન ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો, જે બાદ સુરક્ષાકર્મીઓને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. જો કે ક્યાંયથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહતી.
જયપુર એરપોર્ટ પરથી પણ આવા જ સમાચાર આવ્યા હતા, જે બાદ સુરક્ષા એજન્સીઓએ સંયુક્ત રીતે એરપોર્ટ પર સઘન તપાસ હાથ ધરી હતી. એરપોર્ટ મેનેજમેન્ટને ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળ્યા બાદ પોલીસ અને સીઆઈએસએફએ પરિસરની તપાસ કરી હતી. પોલીસે કહ્યું, “એરપોર્ટ પર સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી, પરંતુ કંઈ પણ શંકાસ્પદ મળ્યું નથી.” એરપોર્ટ અધિકારીઓને એપ્રિલમાં પણ આવી જ ધમકીઓ મળી હતી.
આ પહેલા સોમવારે ઈમેલ દ્વારા દિલ્હીથી દુબઈ જતી ફ્લાઈટમાં બોમ્બ મુકવામાં આવ્યો હોવાની ધમકી આપવામાં આવી હતી, જે પાછળથી ખોટી સાબિત થઈ હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું, હતું કે “સોમવારે સવારે 9.35 વાગ્યે, એરપોર્ટની ડાયલ ઓફિસને એક ઈ-મેલ મળ્યો જેમાં દિલ્હીથી દુબઈ જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી આપવામાં આવી હતી.” અધિકારીએ કહ્યું કે પ્લેનની તલાશી દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહતી.