ચાલુ માસમાં અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારોએ શેર બજારને કેવો આંચકો આપ્યો ? વાંચો
વિદેશી રોકાણકારોનો શેર બજારમાં વિશ્વાસ જોખમી રીતે ઘટી રહ્યો છે . છેલ્લા 21 દિવસમાં 23710 કરોડ રૂપિયા એમણે પાછા ખેંચી લીધા છે . આ નાણાંને એવું ગ્રહણ લાગ્યુ કે શેરબજારમાં ભારે વેચવાલી હાવી થઇ ગઇ. કોઈ ચોરી, લૂંટ કે કૌભાંડ થયું નથી, પરંતુ 23710 કરોડ રૂપિયા ચાલ્યા ગયા જે ચિંતાજનક ટ્રેન્ડ બતાવે છે .
સ્થાનિક બજારમાંથી વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા વેચાણ ચાલુ જ છે, જે રોકાણકારોમાં ચિંતા વધારી રહ્યું છે. 2025 ની શરૂઆતથી એફપીઆઇએ ભારતીય બજારમાંથી લગભગ 1 લાખ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. જો છેલ્લા 21 દિવસની પરિસ્થિતિ જોઈએ તો પરસેવો આવવા લાગશે. ફેબ્રુઆરી મહિનામાં જ શેરબજારમાંથી 23 હજાર કરોડ રૂપિયાથી વધુ રકમ ઉપાડી લેવામાં આવી છે.
ફેબ્રુઆરીમાં અત્યાર સુધીમાં એફપીઆઇએ શેરમાંથી રૂ. 23,710 કરોડ પાછા ખેંચી લીધા છે. આ રીતે 2025 સુધી એફપીઆઇએ ભારતીય શેરમાંથી 1 લાખ કરોડ રૂપિયાથી વધુ રકમ ઉપાડી લીધી છે. જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસીસના મુખ્ય રોકાણ વ્યૂહરચનાકાર વીકે વિજયકુમાર માને છે કે જ્યારે આર્થિક વૃદ્ધિ અને કોર્પોરેટ કમાણીમાં સુધારો થશે ત્યારે ભારતમાં રોકાણ ફરી જીવંત થશે. તેના સંકેતો બે થી ત્રણ મહિનામાં મળવાની અપેક્ષા છે.
મોર્નિંગસ્ટાર ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ ઇન્ડિયાના એસોસિયેટ ડિરેક્ટર-મેનેજર રિસર્ચ હિમાંશુ શ્રીવાસ્તવે મિડિયાને જણાવ્યું હતું કે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર નવી ડ્યુટી લાદવાની સાથે અનેક દેશો પર જવાબી ટેરિફ લાદવાનું વિચારી રહ્યા છે તેવા અહેવાલો બાદ બજારની ચિંતા વધી ગઈ છે.