ઓડિશાના કયા જિલ્લામાં કેવી રીતે સર્જાઇ અશાંતિ ? શું થયું ? જુઓ
ઓડિશાના ભદ્રક જિલ્લામાં સોશિયલ મીડિયા પોસ્ટને કારણે સાંપ્રદાયિક અશાંતિની ઘટનાઓને પગલે ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી. ઓડિશા સરકારના આદેશમાં કહેવામાં આવ્યું છે કે જિલ્લા વહીવટીતંત્રે સાંપ્રદાયિક હિંસા ફેલાવવા માટે ઇન્ટરનેટના દુરુપયોગ પર ચિંતા વ્યક્ત કરી છે. અહીં બે જૂથો વચ્ચે હિંસા ફાટી નીકળતા સુરક્ષા દળોને ગોઠવી દેવાયા હતા. ટક્કરમાં કેટલાક પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. બંને જુથના કેટલાક લોકો પણ ઘાયલ થયા હતા.
ઈસ્ટર્ન રેન્જના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ સત્યજીત નાઈકે શુક્રવારે જણાવ્યું હતું કે પથ્થરમારાની ઘટનાઓને પગલે કલમ 163 લાગુ કરવામાં આવી છે, જે અંતર્ગત એક વિસ્તારમાં પાંચથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ છે. તેમણે કહ્યું કે અમે પરિસ્થિતિને નિયંત્રિત કરવા અને વિસ્તારમાં શાંતિ જાળવવા માટે પૂર્ણ બજાર વિસ્તારમાં કલમ 163 લાગુ કરી છે.
હિંસામાં સામેલ લોકોની ઓળખ
ઈસ્ટર્ન રેન્જના ડીઆઈજી સત્યજીત નાઈકે કહ્યું કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને આ ઘટનામાં કથિત રીતે સામેલ લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. એફઆઇઆર નોંધવામાં આવી છે અને ગુનેગારોની ઓળખ કરવામાં આવી છે. દોષિતો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. સુરક્ષા દળોની 10 પ્લાટૂન શુક્રવારે રાત્રે વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવા અને વિસ્તારને ઘેરી લેવા માટે તૈનાત કરવામાં આવી હતી.
ઓડિશા સરકારે 30 સપ્ટેમ્બર સુધી જિલ્લામાં ઈન્ટરનેટ સેવાઓ 48 કલાક માટે સ્થગિત કરી દીધી છે. રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સ્તેબ્રતા સાહુ દ્વારા પસાર કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે વિસ્તારમાં શાંતિ જાળવવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મની ઍક્સેસને અવરોધિત કરવામાં આવી છે.