નવી સરકાર બાદ જમ્મુ-કાશ્મીરમાં કેવી સ્થિતિ થઈ ? કેટલા મોત થયા ? જુઓ
જમ્મુ કાશ્મીરને 10 વર્ષ બાદ ચુંટાયેલી સરકાર મળી છે અને ઉમર અબ્દુલ્લા મુખ્યમંત્રી બન્યા છે. જો કે ચુંટણી બાદ પણ આ રાજ્યમાં શાંતિ નથી અને આતંકી હુમલા વધી ગયા છે. લોકોને ડરાવવામાં આવી રહ્યા છે અને હિંસા ફરી શરૂ થઈ ગઈ છે.
ગુરુવારે આતંકીઓએ સેનાના વાહન પર ગોળીબાર કર્યો હતો અને તેમાં 2 જવાન શહીદ થઈ ગયા હતા અને શુક્રવારે સારવાર દરમિયાન બીજા 2 જવાનો પણ શહીદ થઈ જતાં 4 જવાનોએ બલિદાન આપી દીધું છે. અન્ય કેટલાક જવાનો ઘાયલ થયા હતા.
આમ જોઈએ તો પાછલા 15 દિવસમાં જમ્મુ-કાશ્મીરમાં 19 લોકોની કતલ કરી દેવાઈ છે અને મજૂરો પર આતંકી હુમલા થઈ રહ્યા છે અને સેના પર પણ હુમલા શરૂ થયા છે. નવી સરકાર બાદ આતંકી હુમલા બંધ થવાને બદલે વધી ગયા છે. આ મુદ્દો ભારે નાજુક માનવામાં આવે છે.
આવી સ્થિતિમાં ઉમર અબ્દુલ્લાએ દિલ્હી જઈને ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘ સાથે મુલાકાત કરી હતી અને સ્થિતિની સમીક્ષા થઈ હતી. આ બેઠકમાં જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો બહાલ કરવાની માંગ કરાઇ હતી અને તેનો સાનુકૂળ પ્રતિસાદ પણ મળ્યો હતો.
એમ માનવામાં આવે છે કે રાજ્યમાં ચુંટણી થઈ છે અને નવી સરકાર રચાઇ ગઈ છે ત્યારે આતંકીઓ ભારે ગભરાઈ ગયા છે અને હુમલા કરી રહ્યા છે. સરકારની રચના બાદ આતંકી હુમલા વધી ગયા છે માટે કેન્દ્ર સરકાર પણ ચિંતિત છે.