ખેડૂત આંદોલન કેવી રીતે થયું ઊગ્ર ? જુઓ
ક્યાં ટક્કર થઈ પોલીસ સાથે ?
ખેડુત આંદોલન ધારણા મુજબ જ ભારે ઊગ્રતા સાથે શરૂ થયું હતું અને મંગળવારે 10થી વધુ માગણીઓ સાથે હજારો ખેડૂતો દ્વારા દિલ્હી તરફ મંગળવારે કૂચ કરવામાં આવી હતી ત્યારે હરિયાણા અને પંજાબ વચ્ચે શંભુ બોર્ડરથી ખેડૂતો દિલ્હી તરફ આગળ વધવાનો પ્રયાસ કરતા હતા. પોલીસે રોકતા ખેડૂતોએ પથ્થરમારો કર્યો હતો. જેમાં 13 લોકો ઘાયલ થયા હતા. આ દરમિયાન પોલીસે ખેડૂતોને વિખેરવા માટે અને દીલ્હી તરફ જતાં અટકાવવા માટે ટીયર ગેસના 150 થી વધુ શેલ છોડ્યા હતા અને કેટલાક ખેડૂતોની પોલીસે અટકાયત પણ કરી હતી. બોર્ડર પર પોલીસ અને ખેડૂતો વચ્ચે ટક્કર થઈ હતી. ડ્રોન વડે ટિયર ગેસ છોડાયો હતો. સોમવારે સરકાર સાથે વાતચીત નિષ્ફળ રહી હતી.
પોલીસ અને ખેડૂતોની ટક્કરથી શંભુ બોર્ડર જંગનું મેદાન બની ગઈ હતી અને ટ્રેક્ટરથી બેરીકેડ તોડવામાં આવી હતી તેમજ પૂલની રેલિંગ તોડી નખાઈ હતી. ટીયર ગેસના 150 થી વધુ સેલ છોડવામાં આવતાં અંબાલાની શંભુ સીમા ધુમાડાથી જાણે ઢંકાઈ ગઈ હતી. અફડાતફડીનો માહોલ થઈ ગયો હતો. ખેડૂતો દીલ્હી તરફ આગળ વધવા મક્કમ દેખાયા હતા. પંજાબ-હરિયાણા સીમા સંપૂર્ણ સીલ થઈ હતી. નોઇડા,ગુરુગ્રામ અને ગાઝિયાબાદમાં ભારે જામ લાગી ગયો હતો.
બીજી બાજુ હરિયાણાની જિંદ સીમા પર પણ ખેડૂતોએ હજારોની સંખ્યામાં પ્રદર્શન કરતાં પોલીસે અહીં પણ ટીયર ગેસના સેલ છોડ્યા હતા. સ્થિતિ સંભાળવા રેપિડ એક્શન ફોર્સ અને પોલીસ મેદાને હતી અને ખેડૂતો એમની સાથે ટકરાઇ ગયા હતા.
હરિયાણા-પંજાબની શંભુ બોર્ડર પર સ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ હતી. . જો ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરવા મક્કમ છે તો હરિયાણા પોલીસ તેમને રોકવા માટે ટીયર ગેસના શેલ છોડી રહી હતી. દિલ્હીમાં ઘૂસવા પર અડગ રહેતા ખેડૂતો ટ્રેક્ટર વડે સિમેન્ટ બેરિકેડ હટાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
લાલ કિલ્લો બંધ,ફ્લાયઓવર સીલ
દિલ્હીમાં લાલ કિલ્લો પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યોહતો. ખેડૂતોની ‘દિલ્હી ચલો’ કૂચને કારણે સુરક્ષા વ્યવસ્થામાં વધારાની વચ્ચે એક વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી દીલ્હી સીમા પણ સીલ કરી દેવાઈ હતી અને જવાનો ગોઠવાઈ ગયા હતા.
ખેડૂતોની કૂચને ધ્યાનમાં રાખીને દિલ્હીની આસપાસની સરહદો સીલ કરી દેવામાં આવી હતી. સિંઘુ બોર્ડર પરનો ફ્લાયઓવર પણ સીલ કરી દેવામાં આવ્યો હતો. મશીનની મદદથી સિમેન્ટ બેરીકેટ્સ લગાવવામાં આવ્યા છે. અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આરએએફ તહેનાત કરવામાં આવી હતી.
આંદોલન રાજકીય પ્રેરિત ના હોવું જોઈએ : કેન્દ્રીય મંત્રી મૂંડા
આ દરમિયાન ખેડૂત આગેવાનો સાથે વાતચીત કરનાર કેન્દ્રીય મંત્રી અર્જુન મૂંડાએ મીડિયા સમક્ષ એમ કહ્યું હતું કે વાતચીત કરીને કોઈ પણ સમસ્યાનો હલ આવી શકે છે. મને સમાધાનની આશા છે. સોમવારની બેઠકમાં કેટલાક મુદ્દા પર સહમતી થઈ હતી અને આગળ પણ સરકાર વાતચીત ચાલુ રાખશે. કેટલાક મુંડા એવા છે જેના વિષે રાજ્ય સરકારો સાથે વાત કરવી પડશે. જો કે આંદોલન રાજકીય પ્રેરિત ના હોવું જોઈએ.
રાકેશ ટિકેત મેદાનમાં , કહ્યું , તો દિલ્હી આપણાથી દૂર નથી’
ભારતીય કિસાન યૂનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકેતે કહ્યું કે, ‘દેશમાં મોટી મૂડીવાદી કંપનીઓ છે… તેમણે એક રાજકીય પક્ષ બનાવી લીધો છે અને આ દેશ પર કબજો કરી લીધો છે. આવી સ્થિતિમાં સમસ્યાઓ આવશે જ… જો તેમની (ખેડૂતો) સાથે કોઈ અન્યાય થશે, સરકાર તેમના માટે કોઈ સમસ્યા ઊભી કરશે તો ખેડૂતો પણ આપણાથી દૂર નથી અને દિલ્હી આપણાથી દૂર નથી.’