ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકની કેવી હાલત કરી ? શું કહ્યું ? વાંચો
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતે આતંકવાદના મુદ્દા પર પાકિસ્તાનને આડે હાથ લીધું હતું. ભારતે કહ્યું હતું કે દુનિયાભરમાં આતંકવાદી ઘટનાઓ ઉપર પાકિસ્તાનની આંગળીઓના નિશાન છે. દુનિયા જાણે છે કે પાક શું કરી રહ્યું છે. પાકના વડાપ્રધાનના ભાષણના ભારતે ભૂકકા બોલાવી દીધા હતા.
ભારતે સાફ શબ્દોમાં ચેતવણી પણ પાકને આપી હતી કે સીમા પારના આતંકવાદને યથાવત રાખવામાં આવશે તો તેના માઠા પરિણામ ભોગવવા પડશે. મહાસભાના 79 માં સત્રમાં ભારતે નિર્ભીક બનીને પાકની રમત ફરીવાર ખુલ્લી કરી હતી.
પાકના વડાપ્રધાન શરીફ દ્વારા મહાસભામાં ફરીવાર કાશ્મીરના રોદણાં રોવામાં આવ્યા ત્યારે તેને ભારતે બરાબરનો સંદેશ આપી બોલતી બંધ કરી દીધી હતી. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશનમાં પ્રથમ સચિવ તરીકે સેવા આપતા ભાવિકા મંગળાનંદને પાકની પોલ ખોલી નાખી હતી.
એમણે શરીફની વાતનો છેદ ઉડાડી તેને હાસ્યાસ્પદ ગણાવી કહ્યું હતું કે એક દેશ જે આતંકવાદ ચલાવે છે, નશીલા પદાર્થોનો વેપાર કરે છે અને આંતરરાષ્ટ્રીય અપરાધ માટે નામચીન છે તે દુનિયાના સૌથી મોટા લોકતંત્ર ભારત પર હિંસા આચરવાની વાત કરીને જુઠા આરોપો નાખે છે.
ભાવિકાએ વધુમાં એમ પણ કહ્યું હતું કે પાકિસ્તાને અમારી સંસદ, અમારી નાણાકીય રાજધાની મુંબઈ અને તીર્થસ્થાનો પર આતંકી હુમલા કર્યા છે. આવા દેશના મોઢે કોઈ પણ હિંસા વિરોધી વાતો હાસ્યાસ્પદ લાગે છે. એમણે કહ્યું કે પાકિસ્તાને લાદેનને સાચવીને રાખ્યો હતો. આજે પણ અનેક આતંકી સંસ્થાઓ ત્યાં આઝાદી ભોગવી રહી છે.