દિલ્હીમાં ભારે પવન સાથે તોફાની વરસાદ: 200 ફ્લાઈટસ મોડી પડી
દિલ્હી અને NCRમાં ઝંઝાવાતી પવન, ધૂળની આંધી અને ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું .દિલ્હીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પ્રતિકૂળ હવામાનને કારણે શુક્રવારે દિલ્હી એરપોર્ટ પર આવતી અને ઊપડતી 200 ફ્લાઇટ વિલંબિત થઈ હતી તો અનેક વિમાનોને અમદાવાદ અને જયપુર તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. અન્ય એક દુર્ઘટનામાં, દિલ્હીના દ્વારકામાં ભારે પવનને કારણે એક મકાન પર વૃક્ષ પડતાં એક મહિલા અને તેના ત્રણ બાળકોનું મોત થયું.
એરપોર્ટ ઓથોરિટી ના જણાવ્યા અનુસાર દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈમથક પર આગમન પહેલાં ત્રણ ફ્લાઇટ્સ અમદાવાદ અને જયપુર તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. બેંગલોર-દિલ્હી અને પુણે-દિલ્હીની ફ્લાઇટ્સ જયપુર ડાયવર્ટ કરવામાં આવી હતી.દિલ્હી એરપોર્ટ પર આગમન માટે સરેરાશ 21 મિનિટ અને પ્રસ્થાન માટે 61 મિનિટનો વિલંબ નોંધાયો હતો. ભારે વરસાદ અને તોફાની પવનને કારણે રેલ સેવા પણ ખોરવાઈ હતી.તીવ્ર પવનને કારણે વૃક્ષો વાયરો પર તૂટી પડતાં દિલ્હી ડિવિઝનમાં 15 થી 20 ટ્રેનો મોડી પડી હતી.
શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા.દિલ્હીના દ્વારકા, ખાનપુર, સાઉથ એક્સટેન્શન રિંગ રોડ, મિન્ટો રોડ, લાજપત નગર અને મોતી બાગ જેવા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
IMD ડેટા મુજબ ત્રણ કલાકમાંજ, શહેરના મુખ્ય વેધર સ્ટેશન સફદરજંગમાં 77 મીમી વરસાદ નોંધાયો હતો. હવામાન ખાતાની હજુ પણ વધુ 24 કલાક માટે ભારે વરસાદની આગાહી કરી છે અને લોકોને સાવચેત રહેવા અનુરોધ કરાયો છે.
દ્વારકાના જાફરપુર કલાનમાં પવનને કારણે ખડખડી નહેર ગામમાં નીમનું ઝાડ ધરાશાયી થતાં એક મકાનનો કેટલોક ભાગ તૂટી પડ્યો હતો.તેની નીચે દબાઈ જતાં જ્યોતિ નામની 26 વર્ષની મહિલા અને તેના ત્રણ બાળકોના કરુણ મૃત્યુ થયા હતા.
