સેન્ટ્રલ ઝોન કચેરીના ગ્રાઉન્ડ ફ્લોર પર જ આવેલા બાથરૂમમાં જ્યાં જૂઓ ત્યાં દેશી દારૂની કોથળીઓ ફેંકાયેલી: પોતાના પ્રાઈવેટ' બાથરૂમ મુકીને એક વખત અધિકારીઓ-પદાધિકારીઓ અહીંની મુલાકાત લ્યે તો સચ્ચાઈ બહાર આવે !
ઢેબર રોડ પર આવેલી મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી કે જ્યાં દરરોજ હજારોની સંખ્યામાં અરજદારોની અવર-જવર રહે છે તે બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર જ આવેલા બાથરૂમમાં જ્યાં જૂઓ ત્યાં દેશી દારૂની અનેક કોથળીઓ ફેંકાયેલી હોવાનું
વૉઈસ ઑફ ડે’ના રિયાલિટી ચેકમાં ધ્યાન પર આવ્યું છે. એકંદરે દારૂડિયાઓ માટે દારૂ પીવા માટે અહીંનું બાથરૂમ `સુરક્ષિત’ ગણાતું હોય તેવી રીતે નશો થઈ રહ્યાનો પર્દાફાશ થયો છે ત્યારે હવે અધિકારીઓ દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું.
મહાપાલિકા દ્વારા અત્યારે ત્રણેય ઝોનમાં મોટાપાયે સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે ખુદ તેની કચેરીના બાથરૂમમાં જ ફેંકાયેલી દારૂની કોથળીઓ તેના ધ્યાન પર ન આવતાં લોકોમાં પણ અચરજ જોવા મળી રહ્યું છે. સામાન્ય રીતે અધિકારીઓ અને પદાધિકારીઓની ઑફિસમાં પ્રાઈવેટ મતલબ કે પોતાનું બાથરૂમ હોય છે એટલા માટે તેઓ જનરલ બાથરૂમનો ઉપયોગ કરતા હોતા નથી ત્યારે જો એક વખત તેઓ આ બાથરૂમનું ચેકિંગ કરે તો જ સચ્ચાઈ બહાર આવી શકે તેમ છે.
મહત્ત્વનો સવાલ, આખરે દારૂની કોથળી અંદર લાવીને પીતું કોણ હશે ?
મહાપાલિકાના બાથરૂમમાં ખુલ્લેઆમ ફેંકાયેલી દેશી દારૂની કોથળી અંદર આવી ગઈ અને પીવાઈ ગઈ ત્યાં સુધી કોઈનું ધ્યાન ન જાય તે વાત પણ શંકા જન્માવનારી છે. આમ તો કચેરીમાં સીસીટીવી કેમેરા ફીટ કરાયેલા છે ત્યારે તેમાં તો દારૂ અંદર જઈ રહેલો ન જ પકડાયો પરંતુ આખો દિવસ અહીં અરજદારોની અવર-જવર રહેતી હોવા છતાં બાથરૂમમાં જઈને દારૂ પીતું કોણ હશે તે પણ સો મણનો સવાલ છે.