GST સુધારા અને ટેરીફને કોઈ લેવાદેવા નથી, 1.5 વર્ષથી તૈયારી ચાલતી હતી : નાણામંત્રી નિર્મલા સીતારામને કરી ચોખવટ
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને સ્પષ્ટ કહ્યુ છે કે, તાજેતરમાં સરકાર દ્વારા કરવામાં આવેલા GSTના સુધારા અને ટેરીફના મુદ્દાને કોઈ સંબંધ નથી. સરકાર છેલ્લા દોઢ વર્ષથી GSTમાં સુધારા લાવવાની તૈયારી કરી રહી હતી. તેમણે એવો દાવો પણ કર્યો છે કે, આ સુધારાનો લાભ ગરીબ અને મધ્યમવર્ગના લોકો સુધી પહોચશે. તેમણે કહ્યું કે, આ નિર્ણય એક દિવસમાં લઈ શકાયો નહોતો. અમે દરેક ચીજ-વસ્તુઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી છે, ત્યારબાદ ઘટાડાનો નિર્ણય લીધો છે.

નાણામંત્રીને જ્યારે પૂછવામાં આવ્યું કે, જુલાઈમાં મોંઘવારી સૌથી નીચલા સ્તરે પહોંચી છતાં અત્યારે GSTમાં ઘટાડાની જરૂર કેમ પડી? તેના જવાબમાં તેમણે કહ્યું કે, ‘સરકાર હંમેશા મોંઘવારીને નિયંત્રણમાં રાખવા માટે આવા નિર્ણયો લેતી રહે છે. મોંઘવારી એ અર્થતંત્રનો ઉપર-નીચે થતો સૂચક છે. તેથી, GST સુધારો લાવવા માટે અમે મોંઘવારી આધારિત મુહૂર્તની રાહ જોઈ શકીએ નહીં. આ સુધારાઓનો ટ્રમ્પના ટેરિફ સાથે કોઈ સંબંધ નથી.’
તેમણે વધુમાં કહ્યું કે, ‘GSTના દરો ઘટાડવા માટે દોઢ વર્ષ પહેલાં ગ્રૂપ ઑફ મિનિસ્ટર્સ(ની રચના કરવામાં આવી હતી. આ ગ્રૂપમાં કર્ણાટક અને બિહાર જેવા રાજ્યોના મંત્રીઓ સામેલ હતા, જેઓ સતત કામ કરી રહ્યા હતા. અમે 300થી વધુ વસ્તુઓ પર દરો ઘટાડ્યા છે અને આ નિર્ણય એક દિવસમાં ન લઈ શકાય. જનતા પરનો બોજ ઓછો કરવા માટે દરેક ચીજ-વસ્તુ પર વારંવાર ચર્ચા કરાઈ હતી, જેમાં સમય લાગ્યો હતો, તેથી તેને ટ્રમ્પના ટેરિફ કે મોંઘવારી દર સાથે જોડી શકાય નહીં.