૨૦૨૫માં સોનુ ૨ લાખને પાર પહોંચી ગયા બાદ યુધ્ધની પરિસ્થિતિ વચ્ચે સોનુ તૂટીને ૧.૪૦ લાખ પર આવી ગયું
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુધ્ધના મંડાણ થયા છે જેની અસર વૈશ્વિક બજારો પર જોવા મળી રહી છે. એક સપ્તાહથી ચાલી રહેલા યુધ્ધના કારણે રોકાણ માટે સૌથી સુરક્ષિત અને સલામત ગણાતા સોનામાં પણ ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે ત્યારે માર્કેટ એક્સપર્ટના મતે વૈશ્વિક પ્રવાહી પરિસ્થિતિ વચ્ચે પણ રોકાણ માટે સોનુ સૌથી સુરક્ષિત હોવાનું જણાવ્યું છે.
કાઠિયાવાડમાં વર્ષોથી પરંપરા જોવા મળી છે જેમાં આદિકાળથી લોકો સોનામાં સૌથી વધુ રોકાણ કરતા જોવા મળી રહ્યા છે. એવું કહેવાય છે કે, ભારતમાં મહિલા અને પરિવાર પાસે જેટલું સોનુ છે એટલું તો ભારત સરકાર પાસે પણ નથી.
વૈશ્વિક બજારમાં પણ સોનુ રોકાણ માટે સુરક્ષિત અને સલામત માનવામાં આવે છે પરંતુ છેલ્લા થોડા સમયથી અમેરિકન પ્રમુખે ટેરિફ લગાડવાનું શરૂ કરતાં વૈશ્વિક વેપારને સૌથી વધુ માઠી અસર પહોંચી છે.
એક સમય હતો કે ૨૦૨૫ના અંતમાં સોના અને ચાંદીમાં શરૂ થયેલી લાલચોળ તેજીના કારણે સોના અને ચાંદીએ તમામ રેકર્ડ તોડી નાખ્યા હતા. સોનુ ૨ લાખને આંબી ગયું હતું. જ્યારે ચાંદી પણ ૪ લાખનો આંકડો વટાવી ગઈ હતી.
ચાંદીમાં સટ્ટાના કારણે સોનુ પણ ઉંચકાયા બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે શરૂ થયેલા યુધ્ધના કારણે બન્ને કિંમતી ધાતુની માઠી અસર શરૂ થઈ હતી. પ્રથમ યુધ્ધ પૂર્ણ જાહેર કર્યા બાદ એક સપ્તાહ પહેલાં ફરી યુધ્ધના મંડાણ થયા છે જેના કારણે સોનુ અને ચાંદી મથાળેથી પટકાઈને સોનુ ૧,૪૨,૦૦૦ અને ચાંદી ૨,૨૦,૦૦૦ નજીક પહોંચી ગયું છે.
આ પણ વાંચો: આજથી સાંસદનું ચોમાસુ સત્ર શરૂ, ચંદા ચોરી સહિતના મુદે વિપક્ષો ગૃહ માથે લેશે
સોના-ચાંદીમાં જોવા મળતી ભારે ઉથલપાથલ વચ્ચે પણ રોકાણકારો માટે અત્યારે સોનુ સર્વશ્રેષ્ઠ હોવાનું માર્કેટ એક્સપર્ટ જણાવી રહ્યા છે.
લાંબાગાળાનું રોકાણ કરવા માંગતા લોકોની પ્રથમ પસંદગી સોનુ હોવું જોઈએ અને બીજી પસંદગી ચાંદી હોવાનું માર્કેટ એક્સપર્ટ જણાવી રહ્યા છે. યુધ્ધના વાદળો હટ્યા બાદ વૈશ્વિક વેપાર સામાન્ય થયા બાદ બન્નને ધાતુમાં ફરી મોટો ઉછાળો આવી શકે છે તેમ સૂત્રોએ જણાવ્યું છે.
પાંચ વર્ષના લોંગ ટર્મ રોકાણમાટે સોનુ બેસ્ટ
રાજકોટના માર્કેટ એક્સપર્ટ પરેશભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, આજના સમયે લોંગ ટર્મ રોકાણ કરવા માટે સોનુ બેસ્ટ છે. યુધ્ધની સ્થિતિત પૂર્ણ થયા બાદ સોનુ ફરી મજબૂતીથી આગળ વધશે. હાલ પ્રવાહી પરિસ્થિતિ વચ્ચે સોના-ચાંદીમાં ઉથલપાથલ જોવા મળશે.
સોનુ ફરી દોઢથી પોણા બે લાખ પર પહોંચશે
રાજકોટના જાણીતા સોની વેપારી જયેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, અત્યારે યુધ્ધની પરિસ્થિતિ વચ્ચે હજુ સોનુ ૫૦૦૦થી ૧૦,૦૦૦ તૂટી શકે છે પરંતુ આગામી સમયમાં યુધ્ધના વાદળો વિખેરાયા બાદ સોનામાં તેજીનો કરંટ જોવા મળશે અને સોનુ ફરી ટૂંકાગાળામાં દોઢ લાખથી લઈને પોણા બે લાખ સુધી પહોંચી જશે.
અત્યારે જૂના સોનાના દાગીના વેચાણનો ટે્રન્ડ
સોના-ચાંદીમાં આવેલી તેજી બાદ યુધ્ધની પરિસ્થિતિ વચ્ચે રોકાણકારો પોતાના ઘરમાં રહેલા જૂના સોનાના દાગીના વેચી રોકડી કરી રહ્યા છે. જો કે, જૂના સોનાના દાગીના વેચાણ માટે ભારે ઘસારો જોવા મળતા સોની વેપારીઓએ પણ સ્કીમ મુકી છે જેમાં હોલમાર્કવાળા જૂના સોનાના દાગીના આપી જાવ અને નવા દાગીના લઈ જાવ જેમાં મજૂરીના પૈસા લેવામાં આવે છે. આ સ્કીમનો લાભ લઈ રોકાણકારો જૂની ડીઝાઈનના દાગીના વેપારીને વેચી આજની લેટેસ્ટ ડીઝાઈનના દાગીનાની ખરીદી કરી રહ્યા છે.
આ તો મંદીની શરૂઆત છે, મહામંદી હજુ બાકી છે
યુધ્ધની પરિસ્થિતિ વચ્ચે વિશ્વના શેરબજારોની માઠી બેઠી છે. બીજીબાજુ અમેરિકાની સરકારે ટેરિફ વોટ શરૂ કરી છે જેની અસર વિશ્વના વેપાર ઉદ્યોગને સૌથી વધુ નડી રહી છે ત્યારે માર્કેટ એક્સપર્ટના મતે આજની વૈશ્વિક પરિસ્થિતિ જોતા આ તો મંદીની શરૂઆત છે, હજુ મહામંદી બાકી છે.
છેલ્લા એક સપ્તાહના સોનાના ભાવ
રાજકોટ સહિત રાજ્યમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન સોનાના ભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી છે.
| તારીખ | ૨૨ કેરેટ | ૨૪ કેરેટ |
| ૧૯ જુલાઈ | ૧,૩૧,૩૫૦ | ૧,૪૩,૨૯૦ |
| ૧૮ જુલાઈ | ૧,૩૧,૩૫૦ | ૧,૪૩,૨૯૦ |
| ૧૭ જુલાઈ | ૧,૩૦,૬૫૦ | ૧,૪૨,૫૩૦ |
| ૧૬ જુલાઈ | ૧,૩૧,૬૦૦ | ૧,૪૩,૨૦૦ |
| ૧૫ જુલાઈ | ૧,૩૧,૬૦૦ | ૧,૪૩,૫૭૦ |
| ૧૪ જુલાઈ | ૧,૩૦,૯૦૦ | ૧,૪૨,૮૦૦ |
| ૧૩ જુલાઈ | ૧,૩૧,૦૦૦ | ૧,૪૨,૯૧૦ |
