દોસ્ત દોસ્ત ન રહાઃ રાજકોટમાં મિત્ર જ મિત્રની રૂ.5.50 લાખની કાર ઓળવી ગયો, જાણો શું છે મામલો
રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી સેલ્ફ ડ્રાઈવિંગમાં લઈ ગયા બાદ કાર ઓળવી જવાના ગુનામાં વધારો થયો છે ત્યારે આવો વધુ એક કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે જેમાં મિત્ર જ મિત્રની 5.50 લાખની કાર ઓળવી જતાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
આ અંગે જંકશન પ્લોટમાં ગેબનશાહપીરની દરગાહ રોડ પર રહેતા મહેશભાઈ મુલચંદભાઈ બુધવાણી (ઉ.વ.58)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેમણે તેમના મિત્ર અલ્પેશ જેઠવા કે જે કોઠારિયા રોડ પર આંબેડકરનગરમાં રહે છે તેને ગત તા.8 જૂલાઈએ પોતાની 5.50 લાખની કિંમતની કાર એક દિવસ માટે એક હજાર રૂપિયાના ભાડે આપી હતી. કાર લઈ ગયાના બીજા દિવસે મહેશભાઈ ઉપર નિલેશ સરવૈયા તેમજ વિજય નામની વ્યક્તિનો ફોન આવ્યો હતો કે તેમની કારનો ગોંડલ પાસે અકસ્માત થયો છે.
ત્યારબાદ મહેશભાઈએ અલ્પેશ જેઠવાને ફોન કરીને પૂછતા તેણે કહ્યું કે આ કાર તેણે સંદીપ ભીમજીભાઈ દાફડા (રહે.ચોરડી)ને ભાડે આપી હતી અને તે કાર લઈને જતો હતો ત્યારે અકસ્માત થયો હતો.આ પછી અલ્પેશે દોઢ મહિનાથી કાર પણ રિપેરિંગ કરીને આપી નથી કે ભાડું પણ ન ચૂકવતા આખરે તેની સામે પ્ર.નગર પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
