પૂર્વ મંત્રી ભાનુબેનની ખુરશી-જગ્યા બન્ને ગઈ! મહિલા કોર્પોરેટરો માટેની બેઠક વ્યવસ્થામાં બેઠેલા જોવા મળ્યા
રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા મંત્રીમંડળના વિસ્તરણમાં રાજકોટના ધારાસભ્ય ભાનુબેન બાબરિયાને પડતા મુકી દેવામાં આવ્યા હતા. આ પછી રાજકોટના એક પણ ધારાસભ્ય હવે મંત્રીમંડળમાં સામેલ નથી ત્યારે હવે મહાપાલિકાના જનરલ બોર્ડમાં પણ ભાનુબેનને પ્રોટોકોલ પ્રમાણે મળતું સ્થાન (જગ્યા) છીનવાઈ ગયાનું સ્પષ્ટપણે ગુરૂવારે તા.20-11-2025ના મળેલા જનરલ બોર્ડમાં જોવા મળ્યું હતું.
આ પણ વાંચો :રાજકોટમાં TRP અગ્નિકાંડ પછી પણ ન સુધર્યા! 1430 ગેરકાયદે મિલકત તોડી પાડવામાં વામણા
અગાઉ 20-7-2025ના જનરલ બોર્ડ મળ્યું ત્યારે કેબિનેટ મંત્રી હોવાના દરજ્જે ભાનુબેન બાબરિયાને બોર્ડના અધ્યક્ષ મેયર નયનાબેન પેઢડિયાની બાજુમાં સ્થાન અપાયું હતું. જો કે મંત્રી તરીકે પડતા મુકાતા જ હવે તેમનું ડાયસ પરનું સ્થાન ચાલ્યું ગયું હતું. ગુરૂવારે મળેલા જનરલ બોર્ડમાં ભાનુબેન બાબરિયા શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ કે જેવો મહિલા કોર્પોરેટરો માટેની બેઠક વ્યવસ્થામાં બેઠેલા જોવા મળ્યા હતા.

જો કે બોર્ડમાં વંદે માતરમ્નું ગાન પૂર્ણ થયું એટલે તેમણે તુરંત રવાનગી પણ લઈ લીધી હતી. એકંદરે મંત્રી તરીકેની તેમની ખુરશી ગયા બાદ જનરલ બોર્ડમાં ડાયસ પર મળતી જગ્યા પણ બદલાઈ જતા રાજકીય નેતાઓમાં ગણગણાટ પણ હતો કે કિંમત તો ખુરશીની જ હોય આપણી નહીં !
