રાજસ્થાનમાં દાહોદના એક જ પરિવારના પાંચ લોકોના અકસ્માતમાં મોત
સિરોહીમાં ટાયર ફાટવાને કારણે કાર કાબૂ બહાર થઇ પલટી ગઈ
રાજસ્થાનના સિરોહી જિલ્લાના કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારના સરનેશ્વર જી પુલિયા પાસે ગુરુવારે એક અનિયંત્રિત કાર પલટી ગઈ હતી. આ અકસ્માતમાં દાહોદનાં એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા હતા. દાહોદનો સેન સમુદાયનો પરિવાર રાજસ્થાનના ફલોદીના ખારા ગામ તરફ જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. એક મહિલા ઈજાગ્રસ્ત છે અને તેની જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર, એક કારમાં દાહોદનો સેન પરિવાર દાહોદથી જોધપુર જઈ રહ્યો હતો, ત્યારે સાર્નેશ્વર જી પુલ પાસે કારનું આગળનું ટાયર ફાટ્યું હતું, જેના કારણે કાર કાબૂ બહાર થઇ ગઈ હતી અને ડિવાઈડર ઓળંગીને નાળામાં પડી હતી. અકસ્માત એટલો દર્દનાક હતો કે ફલોદીના ખારા ગામના રહેવાસી બે મહિલાઓ, બે પુરૂષ અને એક બાળકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે એક મહિલાને ઈજા થઈ હતી. ઘટનાની માહિતી મળતાની સાથે જ કોતવાલી પોલીસ સ્ટેશનના અધિકારી સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઈજાગ્રસ્ત મહિલાને જિલ્લા હોસ્પિટલમાં ખસેડી હતી.
આ તમામ 6 લોકો એક જ પરિવારના સભ્યો હતા. વધુમાં મળતી માહિતી મુજબ આ પરિવાર મૂળ રાજસ્થાનનો હતો પરંતુ છેલ્લા 40 વર્ષથી દાહોદના લીમખેડામાં રહેતો હતો. ત્યારે આજે સવારે તેઓ પોતાના વતન જવા નીકળ્યા હતા ત્યારે સિરોહીના સરનેશ્વર પુલિયા અને સરનેશ્વર મંદિર વચ્ચે આ અકસ્માત થયો હતો.
રાજસ્થાનનાં મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ આ ઘટના અંગે દુખ વ્યક્ત કરીને મૃતકોના પરિવારજનો પ્રત્યે દિલસોજી વ્યક્ત કરી છે સાથોસાથ ઈજાગ્રસ્તને યોગ્ય સારવાર મળે તે માટે જરૂરી વ્યવસ્થા કરવા આદેશ પણ આપ્યો છે.