કાશ્મીરમાં મેજર સહિત પાંચ જવાનો શહીદ
સબ સલામતના સરકારી દાવા વચ્ચે આતંકવાદ વકર્યો
ત્રણ વર્ષમાં 42 જવાનો માર્યા ગયા, 23 નાગરિકોના મોત
કાશ્મીરમાં સબ સલામતના સરકારના દાવા વચ્ચે સોમવારે રાત્રે વધુ એક આતંકવાદી ઘટનામાં રાષ્ટ્રીય રાયફલ્સના એક મેજર અને ત્રણ જવાનો ઉપરાંત જમ્મુ કાશ્મીર પોલીસના સ્પેશિયલ ફોર્સ ના એક જવાને શહીદી વ્હોરી હતી. નોંધનીય છે કે છેલ્લા ત્રણ વર્ષમાં આતંકવાદી હુમલાઓમાં આપણી સેનાના 42 બહાદુર જવાનોનો ભોગ લેવાયો છે અને 23 નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. એકલા જ્મમુ વિસ્તારમાં જ છેલ્લા 78 દિવસમાં આતંકવાદી હુમલાની 11 ઘટનાઓ બની છે. સોમવારની રાત્રે થયેલી આ ઘટના અંગે રક્ષા મંત્રી રાજનાથ સિંહ એ આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી સાથે વાત કરીને માહિતી મેળવી હતી.
સેનાએ સત્તાવાર રીતે જણાવ્યા અનુસાર ડૉડા જિલ્લાના ધારી ગેટ ઉરારબાગના જંગલમાં આતંકવાદીઓ છુપાયા હોવાના ઇન્ટેલિજન્સ રિપોર્ટ બાદ રાષ્ટ્રીય રાયફલ્સ અને જમ્મુ કાશ્મીર સ્પેશિયલ ફોર્સના જવાનો સર્ચ ઓપરેશન કરી રહ્યા હતા ત્યારે આતંકવાદીઓએ અંધાધુંધ ગોળીબાર કર્યો હતો. સેનાએ વળતો જવાબ આપતા આતંકવાદીઓ ગાઢ જંગલમાં નાસી ગયા હતા. આ એન્કાઉન્ટરમાં મેજર બ્રિજેશ થાપા, નાયક ડી. રાજેશ, સિપોય બીજેન્દ્ર તથા સિપોય અજય અને જમ્મુ કાશ્મીર પોલીસના એક જવાનને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક હોસ્પિટલે ખસેડાયા હતા જ્યાં તેમણે દમ તોડી નાખ્યો હતો. મેજર બ્રિજેશ થાપાને તાજેતરમાં જ પ્રમોશન મળ્યું હતું. આ હુમલા ની જવાબદારી કાશ્મીર ટાઈગર્સ નામના આતંકવાદી સંગઠનને લીધી હતી.
જમ્મુ વિસ્તાર આતંકીઓના નિશાન પર એક મહિનામાં આઠ આતંકી હુમલા
કાશ્મીર ખીણમાં સેનાના ચુસ્ત બંદોબસ્ત અને કડક કાર્યવાહી બાદ આતંકવાદીઓએ હવે જમ્મુ વિસ્તાર ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. 2021 પછી એકલા જમ્મુ વિસ્તારમાં જ આતંકવાદી હુમલાની 21 ઘટનાઓ બની હતી. તેમાં પણ આઠ ઘટના તો છેલ્લા એક મહિનામાં જ બની છે.
9 જૂન: રિયાસી નજીક યાત્રાળુ બસ પર હુમલો. નવ યાત્રાળુઓના મોત
11જૂન: કઠુઆમાં એન્કાઉન્ટર. એક જવાન શહીદ
12 જૂન:ડોડા જિલ્લામાં એક જ દિવસમાં બે હુમલા.
પાંચ જવાનો શહીદ
26 જૂન: ડોડા જિલ્લામાં મુઠભેડ.ત્રણ આતંકી ઠાર
7 જુલાઈ: મંજાકોટમાં આર્મીની ચોકી પર હુમલો: એક જવાન ઘાયલ
8 જુલાઈ: કઠુઆમાં આર્મીના વાહનો પર હુમલો. પાંચ જવાનો શહીદ.
15 જુલાઈ : ડોડામાં એન્કાઉન્ટર. પાંચ જવાનો શહીદ
નવી સરકારના 38 દિવસના શાસનમાં નવ હુમલા, 12 જવાનો શહીદ:કોંગ્રેસ
કોંગ્રેસે જમ્મુ કાશ્મીરમાં ઉપરાંત છાપરી થઈ રહેલા આતંકી હુમલાઓ માટે ભાજપની ખોટી નીતિ અને જવાબદાર ગણવી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે તેમજ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મંગળવારના હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી આતંકવાદ સામેની લડાઈમાં આખો દેશ સાથે ઉભો હોવાની ખાતરી આપી હતી. સાથે જ સરકાર ઉપર પ્રહાર કરતાં ખડગેએ જણાવ્યું કે મોદી સરકાર જાણે કે બધું બરોબર રહેશે પરંતુ આતંકવાદી હુમલાઓનો ભોગ આખો સમૂહ પ્રદેશ બની રહ્યો છે. તેમણે કહ્યું કે આપણે ખોટી બહાદુરી, બનાવટી વાર્તાઓ અને હાઈ-ડેસિબલ વ્હાઇટવોશિંગમાં સામેલ થઈને આપણી રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં નાખી શકતા નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે લગાતાર થઈ રહેલા હુમલાઓ જમ્મુ કાશ્મીરની સ્થિતિ દર્શાવે છે. વારંવાર થઈ રહેલી સુરક્ષા ચૂકની જવાબદારી સ્વીકારી સરકાર દેશ અને જવાનોના ગુનેગારો સામે કડક કાર્યવાહી કરે તેવી દરેક દેશભક્ત નાગરિક માગણી કરી રહ્યો છે. તેમણે કહ્યું કે ભાજપની ખોટી નીતિઓનું પરિણામ આપણા જવાનો અને તેમના પરિવારજનો ભોગવી રહ્યા છે.