રાજસ્થાનમાં નકલી ખેડૂતો પી.એમ.કિસાન સન્માન નિધિના ૭ કરોડ ખાઈ ગયા
જે ગામમાં ખેડૂતો જ નથી તેવા ગામમાં ૨૯ હજાર નકલી ખાતા ખુલી ગયા
પીએમ ખેડૂત સન્માન નિધિમાં અસાધારણ છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.જ્યાં એકપણ મુસ્લિમ વ્યક્તિ નથી તેવા રાજસ્થાનના પાલીમાં મુસ્લિમ ખેડૂતોના નામે 29,000 નકલી ખાતાં ખૂલી ગયાં હતા અને સાત કરોડ રૂપિયા ઓળવી લેવામાં આવ્યા છે.
પાલીમાં કેટલાક ગામોમાં એક પણ મુસ્લિમ વસવાટ કરતા નથી. વળી જે ખાતાઓમાં આ રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી તે ખાતાં પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને બિહારના લોકોના નામે ખોલવામાં આવ્યાં હતાં. પાલીમાં આવા લગભગ 29 હજાર નકલી એકાઉન્ટ મળી આવ્યા છે.
એક અહેવાલ અનુસાર, પાલી જિલ્લાના દેસુરીમાં 20 હજાર, રાનીમાં 9,004 અને મારવાડ જંકશનમાં 62 નકલી ખાતાં મળી આવ્યાં હતાં. હવે આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે. આશ્ચર્યજનક વાત એ છે કે આ છેતરપિંડી વર્ષ 2020 માં થઈ હતી પરંતુ અધિકારીઓએ આ બાબતને પ્રકાશમાં આવવા દીધી નહીં. તેમણે આ મામલે FIR પણ નોંધાવી ન હતી.
અખબારના અહેવાલ મુજબ 2019થી ઓગસ્ટ 2020ની વચ્ચે CSC અને e-Mitra દ્વારા નકલી ખેડૂતોના નામે વડાપ્રધાન ખેડૂત સન્માન નિધિ માટે અરજીઓ કરવામાં આવી હતી. એવી આશંકા છે કે આ અરજીઓ સરકારી આઈડી હેક કરીને મંજૂર કરવામાં આવી હતી. આ અરજીઓ એક જ સરકારી આઈડી હેક કરીને મંજૂર કરવામાં આવી હતી કે અલગ અલગ આઈડીથી તેની તપાસ કરવામાં આવી રહી છે.
અધિકારીઓનું કહેવું છે કે ઉત્તર પ્રદેશ અને બિહારમાં આવી ઘણી ગેંગ સક્રિય છે જે નકલી આઈડી બનાવીને ખેડૂત સન્માન નિધિના પૈસા લઈ રહી છે. આ નકલી અરજીઓ પોર્ટલ પર કોઈપણ OTP વિના સ્વીકારવામાં આવી હતી.
માર્ચ 2024માં છત્તીસગઢમાં પણ આવો જ એક મામલો પ્રકાશમાં આવ્યો હતો. છત્તીસગઢના બેમેતારા જિલ્લાના એક ગામમાં 856 નકલી ખેડૂતોનાં ખાતામાં ખેડૂત સન્માન નિધિના પૈસા જમા કરાવવાનો આરોપ લાગ્યો હતો.